મોરબી ડેઈલી:મોરબી મહાનગરપાલિકાની ડ્રેનેજ સમિતિના ચેરમેન નવનિતભાઈ કુંડારીયાએ મોરબી જિલ્લા પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા સાથે પંચાસર રોડ પર આવેલા STP (સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) પમ્પિંગ સેન્ટરની મુલાકાત લઈ ચાલી રહેલી કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન પમ્પિંગ સેન્ટરની વર્તમાન ક્ષમતા, પમ્પિંગ સાધનોની સ્થિતિ તેમજ કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી. કામગીરી દરમિયાન ધ્યાન પર આવેલી બાબતોને લઈને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત પંચાસર રોડ પર આવેલા નંદીધરની પણ મુલાકાત લેવામાં આવી હતી. નંદીઓની સાર-સંભાળ અંગેની વ્યવસ્થાનું નિરીક્ષણ કરી જવાબદારો પાસેથી માહિતી મેળવવામાં આવી હતી. નિરીક્ષણ દરમિયાન ધ્યાન પર આવેલી બાબતોના આધારે જરૂરી કામગીરી કરવા માટે ભલામણો કરવામાં આવી હતી. મહાનગરપાલિકા વિસ્તારમાં ડ્રેનેજ સહિતની વિવિધ સમસ્યાઓનું ઝડપી નિરાકરણ આવે અને પ્રજાને યોગ્ય સુવિધા મળી રહે તે દિશામાં કામગીરી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.












