ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંતરરાષ્ટ્રીય રાઈફલ શૂટર અંજુ શર્માએ ખાસ ઉપસ્થિત રહીને મોરબીના વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોને ખેલ મહાકુંભમાં વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરાવવા માટે અપીલ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે ખેલ મહાકુંભનું રજીસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું છે અને 22 સપ્ટેમ્બરના રોજ રજીસ્ટ્રેશન પૂર્ણ થશે.
અંજુ શર્માએ જણાવ્યું કે તેઓએ મોરબીના વિવિધ ગામડાઓ અને શાળાઓમાં જઈને સેમિનાર યોજ્યા છે અને લોકોને માહિતગાર કર્યા છે. સૌરાષ્ટ્રમાં જેમ સાતમ-આઠમના તહેવારનો ઉત્સાહ હોય છે, તેવો જ ઉત્સાહ અત્યારે સામાન્ય બાળકો અને વાલીઓમાં ખેલ મહાકુંભને લઈને જોવા મળી રહ્યો છે. સૌથી મોટી વાત એ છે કે આ ખેલ મહાકુંભમાં ઓલિમ્પિકની રમતોની સાથે આપણી પારંપરિક રમતો જેવી કે લંગડી અને સતોડીયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી આવનારી પેઢી આપણી પારંપરિક રમતોને ભૂલી ન જાય.
તેઓએ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ ટેલેન્ટ હન્ટ યોજના શરૂ કરાઈ છે, જેમાં 5, 10 અને 15 વર્ષના બાળકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. ઓલિમ્પિકમાં 350 જેટલી ઇવેન્ટ્સ હોય છે પરંતુ ભારતનું પ્રતિનિધિત્વ બહુ ઓછી રમતોમાં હોય છે, જેને વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. રાઈફલ શૂટિંગ જેવી મોંઘી રમતોનો તમામ ખર્ચ હવે સરકાર ઉઠાવે છે.
ખેલ મહાકુંભમાં વિજેતા થનાર ખેલાડીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવે છે અને ગ્રામ્ય, તાલુકા, જિલ્લા તથા રાજ્ય કક્ષાએ સ્પર્ધાઓ યોજાય છે. ત્યારબાદ પ્રતિભાશાળી ખેલાડીઓને સરકારની DLSS, COE અને સ્પોર્ટ્સ એકેડમી જેવી યોજનાઓમાં આવરી લેવાય છે અને આ ખેલાડીઓને ન્યુટ્રીશન, કોચિંગ અને સાધનો પૂરા પાડવાનો તમામ ખર્ચ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગુજરાત સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે. ખુદ અંજુ શર્માએ 2007 માં શૂટિંગની શરૂઆત કરી હતી અને ખેલ મહાકુંભમાં મેડલ જીત્યા બાદ તેમને એકેડમી સ્કીમનો લાભ મળ્યો હતો.










