બાગાયત ખાતાના અધિકારીઓ અને KVK ના નિષ્ણાંતો દ્વારા બાગાયતી પાક વ્યવસ્થાપન, રોગ નિયંત્રણ અને સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું
મોરબી જિલ્લામાં બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવાના આશયથી જિલ્લા બાગાયત ખાતા દ્વારા ખેડૂત તાલીમ/શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગત તા. ૦૬/૧૦/૨૦૨૬ ના રોજ મોરબી તાલુકાના લક્ષ્મીનગર (જૂના સાદુળકા) ગામે યોજાયેલા આ કાર્યક્રમમાં બાગાયત ખાતાના અધિકારીશ્રીઓ તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), ગોર ખીજડીયાના કૃષિ નિષ્ણાંતોએ વિશેષ ઉપસ્થિત રહીને ઉપસ્થિત ખેડૂતોને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ શિબિર દરમિયાન બાગાયત ખાતાની નવીન યોજનાઓ, પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ, બાગાયતી પાકોમાં વૈજ્ઞાનિક પાક વ્યવસ્થાપન તેમજ રોગ-જીવાત નિયંત્રણ અંગેની સઘન અને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો મહત્તમ અને સરળતાથી કેવી રીતે લાભ મેળવી શકે તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ માર્ગદર્શન શિબિરમાં સ્થાનિક ખેડૂતોએ બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, તેમ મોરબી નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.











