Wednesday, October 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઅજય લોરિયા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પાટીદાર નવરાત્રિ મહોત્સવમાં...

અજય લોરિયા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પાટીદાર નવરાત્રિ મહોત્સવમાં 28 શહિદ પરિવારોને 28 લાખની સહાય અર્પણ

અજય લોરિયાએ જાહેર મંચ પરથી નવરાત્રિનો હિસાબ રજૂ કર્યો, બાકીના રૂ. 2.60 લાખ પિતા વિનાની દીકરીઓની અભ્યાસ ફી માટે વાપરવાની જાહેરાત

મોરબીના રવાપર રોડ પર અજય લોરિયા સંચાલિત સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પાટીદાર નવરાત્રિ મહોત્સવ અને સનાતન નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નવ દિવસ સુધી માતાજીની આરાધના અને રાસ-ગરબાની રમઝટ બાદ નવરાત્રિ મહોત્સવના હિસાબની વિગતો જાહેર મંચ પરથી રજૂ કરવામાં આવી હતી. આયોજક અજય લોરિયાએ જાહેર કરેલા હિસાબ મુજબ, આ વર્ષે નવરાત્રિ મહોત્સવમાં કુલ રૂ. 30 લાખ અને 60 હજારનો નફો થયો હતો.

આ રકમમાંથી દેશની રક્ષા કાજે શહીદ થયેલા જવાનોના 28 પરિવારોને રૂ. 1-1 લાખના ચેક અર્પણ કરીને કુલ રૂ. 28 લાખની આર્થિક સહાય આપવામાં આવી હતી. ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ, પંજાબ અને જમ્મુ-કાશ્મીર સહિતના વિવિધ રાજ્યોમાંથી આવેલા શહીદ જવાનોના પરિવારોને સ્ટેજ પર આમંત્રિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ રીતે નવરાત્રિ મહોત્સવના માધ્યમથી શહીદ પરિવારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી.

અજય લોરિયાએ જણાવ્યું હતું કે, સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2015થી શહીદ જવાનોના પરિવારોને સહાય અને સન્માન આપવાની કામગીરી સતત કરવામાં આવી રહી છે. પુલવામા હુમલો, ઉરી હુમલો તેમજ નક્સલવાદી હુમલા સહિતની વિવિધ ઘટનાઓમાં શહીદ થયેલા જવાનોના પરિવારો સુધી આર્થિક સહાય પહોંચાડવામાં આવી છે. આ વર્ષની 28 પરિવારોને આપવામાં આવેલી સહાય સહિત અત્યાર સુધીમાં કુલ 329 શહીદ પરિવારોને સહાય આપવામાં આવી છે. અગાઉ રૂ. 4.76 કરોડની સહાય આપવામાં આવી હતી અને આ વર્ષની રૂ. 28 લાખની સહાય ઉમેરતાં અત્યાર સુધીમાં કુલ રૂ. 5.04 કરોડની સહાય શહીદ પરિવારોને અર્પણ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

પાટીદાર નવરાત્રિ મહોત્સવના હિસાબ મુજબ, રૂ. 30.60 લાખના નફામાંથી રૂ. 28 લાખ શહીદ પરિવારોને સહાયરૂપે આપવામાં આવ્યા બાદ બાકીની રૂ. 2.60 લાખની રકમ પાટીદાર સમાજની પિતા વિનાની દીકરીઓના અભ્યાસ માટે વાપરવાની જાહેરાત અજય લોરિયાએ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જે દીકરીઓના પિતા હયાત નથી અને જેમને અભ્યાસની ફી ભરવામાં મુશ્કેલી પડે છે, તેવી દીકરીઓની ફી ભરવા માટે આ રકમનો ઉપયોગ કરવામાં આવશે. અંદાજે પાંચથી સાત દીકરીઓને તેમની ફી મુજબ સહાય મળી શકે તેવો આશય પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આમ, નવરાત્રિમાંથી થયેલા નફાની રકમનો ઉપયોગ શહીદ પરિવારોની સહાય અને દીકરીઓના શિક્ષણ માટે કરવામાં આવશે.

અજય લોરિયાએ જણાવ્યું હતું કે, નવરાત્રિ પહેલાં મોરબી જિલ્લામાં આયોજન માટે માત્ર સાત દિવસનો સમય મળ્યો હોવા છતાં સ્પોન્સરો, સહયોગીઓ અને ફાઉન્ડેશનના સભ્યોના સહકારથી ભવ્ય આયોજન શક્ય બન્યું હતું. તેમણે તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, લોકોનો પ્રેમ અને સહયોગ જ આ સેવાકાર્યોની સાચી તાકાત છે. પાટીદાર નવરાત્રિ મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ભાગ લીધો હતો, જ્યારે સનાતન નવરાત્રિ મહોત્સવનું આયોજન પણ બહેન-દીકરીઓ માટે કરવામાં આવ્યું હતું. માતાજીની કૃપાથી નવ દિવસનો ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હોવાનું તેમણે જણાવ્યું હતું. અજય લોરિયાના નેતૃત્વમાં આયોજિત પાટીદાર નવરાત્રિ મહોત્સવમાં દર વર્ષે જાહેર મંચ પરથી હિસાબ રજૂ કરવાની પરંપરા જાળવવામાં આવે છે. આ વર્ષે પણ નફાની રકમમાંથી શહીદ પરિવારોને રૂ. 28 લાખની સહાય અને બાકીની રકમ પિતા વિનાની દીકરીઓના શિક્ષણ માટે ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલ દ્વારા નવરાત્રિના ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવને દેશભક્તિ, પારદર્શકતા, શિક્ષણ સહાય અને માનવસેવા સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments