Saturday, October 31, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં જમીન વિવાદથી કંટાળેલા ૭૫ વર્ષીય વૃદ્ધની સહપરિવાર ઈચ્છામૃત્યુની માંગ

મોરબીમાં જમીન વિવાદથી કંટાળેલા ૭૫ વર્ષીય વૃદ્ધની સહપરિવાર ઈચ્છામૃત્યુની માંગ

મોરબીમાં જમીન અને ગામતળના ત્રણ દાયકા જૂના વિવાદમાં એક ૭૫ વર્ષીય વૃદ્ધે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. વર્ષોથી પોતાના વ્યવસાય અને રોજગારી માટે કાયદેસર રીતે ફાળવાયેલી જમીન પર અન્ય ગામનું ગામતળ ગેરકાયદેસર રીતે બેસાડી દેવાયુ હોવાના આક્ષેપ સાથે વૃદ્ધ અરજદારે જિલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓને ન્યાય આપવા અથવા તો પરિવાર સાથે ઇચ્છામૃત્યુની મંજૂરી આપવા માટે રજૂઆત કરી છે.

મોરબીના રોહીદાસપરામાં રહેતા ૭૫ વર્ષીય અરજદાર રવજીભાઈ મેઘજીભાઈ ચૌહાણે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારીને કરેલી રજુઆતમાં જણાવ્યા અનુસાર તેમના પિતાને ગત તા.૨૬/૦૬/૧૯૬૮ના રોજ કલેકટર રાજકોટના હુકમથી મોરબી તાલુકાના પીપળી ગામના સર્વે નંબર ૩૦૪/૧ પૈકીની જમીન સ્ટોન ક્રશરના હેતુ માટે ફાળવવામાં આવી હતી, જેના પર પરિવાર ૫૮ વર્ષથી ગુજરાન ચલાવે છે. પરંતુ, નાયબ કલેક્ટર મોરબીના તા.૧૬/૦૬/૧૯૮૬ ના હુકમથી ટીંબડી ગામના સર્વે નંબર ૯૪/૨ ની જમીનમાં નવું ગામતળ મંજૂર કરાયું હતું. જે તે સમયના તાલુકા વિકાસ અધિકારી, પંચાયતના સર્કલ ઇન્સ્પેક્ટર તથા ટીંબડી ગામના પૂર્વ સરપંચ દ્વારા આ નવું ગામતળ રવજીભાઈને ફાળવેલ જમીનના આગળના ભાગમાં અને પીપળી ગામના સર્વે નંબર ૩૦૪/૧ પૈકીની ખરાબાની જમીનમાં ગેરકાયદેસર રીતે બેસાડી દેવાયું હતું. આ ષડયંત્રના કારણે અરજદાર છેલ્લા ૩૫ વર્ષથી ભારે આર્થિક અને માનસિક હેરાનગતિ ભોગવી રહ્યા છે.

આ જમીન વિવાદમાં અત્યાર સુધીમાં ચાર વખત સરકારી માપણી થઈ ચૂકી છે, જેમાં ટીંબડી ગામનું નવું ગામતળ ગેરકાયદેસર બેસેલ હોવાનું સ્પષ્ટ થઈ ગયું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ હકારાત્મક નિર્ણય લેવાયો નથી. અરજદારે આ ગેરકાયદે ગામતળને તેની મૂળ જગ્યાએ ખસેડવા અથવા વિવાદિત પ્લોટને શિફ્ટિંગ કરવા અઢળક અરજીઓ કરી છે. હાલમાં જ નાયબ કલેકટર દ્વારા પીપળી-ટીંબડી ગામના વિવાદમાં હરરાજીવાળા પ્લોટના શિફ્ટિંગ મુદ્દે પંચાયત પાસે અહેવાલ મંગાવતો વિવાદિત હુકમ કરાતા અરજદારની ધીરજ ખૂટી ગઈ છે. આવા નિર્ણયોથી ન્યાય મળવાની આશા ન જણાતા આખરે ગત તા.૩૦ ઓક્ટોબરના રોજ અરજદારે મોરબી કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી ન્યાય અપાવવા અને જો ન્યાય ન મળે તો જિલ્લા મેજિસ્ટ્રેટ મારફતે સહપરિવાર ઇચ્છામૃત્યુની મંજૂરી આપવા માંગ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments