વાંકાનેર : આજના સ્પર્ધાત્મક યુગમાં માત્ર શૈક્ષણિક પ્રતિભા પૂરતી નથી પણ તેને સાથો સાથ વ્યક્તિત્વ વિકાસ અને જીવન કૌશલ્યો (Life Skills) પણ અતિઆવશ્યક બની ચૂક્યા છે. તે જ દૃષ્ટિએ આજે તેજતારા ફાઉન્ડેશનના આયોજન હેઠળ શ્રીમતી એલ. કે. સંઘવી હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટ વિષયક માહિતીપ્રદ અને પ્રેરણાદાયી સેમિનાર યોજાયો.
મુખ્ય વક્તા તરીકે તેજતારા ફાઉન્ડેશનના પ્રમુખ તથા જાણીતા કેરિયર ગાઇડન્સ નિષ્ણાત દર્શના કે. દોમડીઆ ઉપસ્થિત રહ્યા. તેમણે પોતાના વિશાળ અનુભવ અને ઉંડા આલોચનાત્મક દૃષ્ટિકોણથી વિદ્યાર્થીઓને ટાઈમ મેનેજમેન્ટ, ટીમ વર્ક, નેતૃત્વ કૌશલ્ય, આત્મવિશ્વાસ અને અસરકારક સંવાદ કુશળતા જેવી અગત્યની સોફ્ટ સ્કિલ્સની માહિતિ આપતી પ્રેક્ટિકલ પ્રવૃત્તિઓ કરાવી હતી.
શાળાની પ્રિન્સિપાલ દર્શનાબેન જાની તથા શિક્ષકમિત્રો એ કાર્યક્રમનું સ્વાગત કરી તેજતારા ફાઉન્ડેશનના યોગદાનની પ્રશંસા કરી હતી. વિદ્યાર્થીઓએ સક્રિય રીતે ભાગ લઇને પોતાના વિચારો રજૂ કર્યા, ટીમમાં કાર્ય કરવાની મજા માણી અને સમયનું યોગ્ય સંચાલન શીખ્યું. આવા કાર્યો થકી વિદ્યાર્થીઓના વ્યક્તિત્વમાં સુધારો થાય છે, અને તેઓ ભવિષ્યમાં વધુ તૈયાર અને આત્મવિશ્વાસ
ભર્યા નાગરિક બની શકે છે. તેજતારા ફાઉન્ડેશનનો ઉદ્દેશ છે – શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણ ક્ષેત્રે સમર્પિત રહી સમાજના સર્વાંગી વિકાસ માટે યોગદાન આપવું. આજે યોજાયેલ કાર્યક્રમ એ દિશામાં એક મજબૂત પગથિયું સાબિત થયો છે.












