મોરબીમાં મહાનગરપાલિકા દબાણો દૂર કરવા મુદ્દે વ્હાલા દવલાની નીતિ અપનાવતું હોવાના ગંભીર આક્ષેપ વચ્ચે આજે બુધવારે વન વિક વન રોડ અંતર્ગત મનપાએ શનાળા બાયપાસથી લઈ છેક શનાળા ગામ સુધીમાં માર્ગો ઉપર ખડકાયેલા ગેરકાયદે દબાણો દૂર ડીમોલેશનનું શસ્ત્ર ઉગામ્યુ હતું. જો કે, બુધવારે દબાણ હટાવની ઝુંબેશ હોવાંની ખબર પડતાં આ રોડ ઉપરના અનેક દબાણકારોએ જાતે જ આગલા દિવસે પોતાના દબાણો હટાવી લીધા બાદ બીજા રહી ગયેલા દબાણો આજે મનપાએ દૂર કરીને રોડની અંદરની બાજુ 150 મીટર જગ્યા ખુલ્લી કરી છે.
મોરબી મહાપાલિકા અસ્તિત્વમાં આવતાની સાથે શહેરની ટ્રાફિક સમસ્યાના મહદઅંશે સુધાર માટે રોડ ઉપર આડેધડ ખડકાયેલા ગેરકાયદે દબાણો હટાવવા માટે મનપા દ્વારા દર બુધવારે વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત ડીમોલેશનની કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં આજે બુધવારે મોરબીના શનાળા બાયપાસથી શનાળા ગામ સુધીના રોડ ઉપર ખડકી દીધેલા ગેરકાયદે દબાણો દૂર કરવા મહાનગરપાલિકા દ્વારા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને મનપાની દબાણ હટાવ શાખાએ જેસીબી વડે આ રોડ નજીકના અનેક દબાણોનો કડુસલો બોલાવી દીધો હતો. જ્યારે મહાનગરપાલિકા દર બુધવારે દબાણો દૂર કરતી હોય અને આ બુધવારે શનાળા બાયપાસનો વારો હોવાની ખબર અગાઉથી પડી જતા અહીંના અનેક દબાણકારોએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર કરી દીધા હતા. આ અંગે ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યુ હતું કે, મોરબી મહાપાલિકા દ્વારા અત્યાર સુધીમાં શહેરના 15 રોડ ઉપરના દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ આ માર્ગો પર ફરીથી દબાણો ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે. દરમિયાન આજે ભક્તિનગર સર્કલથી શનાળા પંચાયત સુધીના સ્ટેટ હાઇવે પાસેના દબાણો હટાવવામાં આવ્યા હતા અને રોડની અંદરના 150 મીટર સુધીના દબાણો દૂર કરીને માર્ગ ખુલ્લો કરી દેવાયો છે.












