મોરબી ખાતે કાર્યરત ડો. બાબાસાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ લગ્નોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે માધ્યમિક શાળાનું નવું બિલ્ડિંગ બનાવવા માટે ભંડોળ એકત્ર કરવાનો છે.

વર્ષ ૧૯૯૬ થી કાર્યરત આ ટ્રસ્ટ હાલ ધોરણ ૧ થી ૮ ની શાળા ચલાવે છે, જેમાં ગરીબ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પરંતુ ધોરણ ૯ અને ૧૦ ના અભ્યાસ માટે તેમને અન્ય શાળાઓમાં જવું પડે છે, જ્યાં વધુ ફી ને કારણે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાના નિવારણ માટે, ટ્રસ્ટે આશરે ૬૫ થી ૭૦ લાખના ખર્ચે માધ્યમિક શાળાનું બિલ્ડિંગ બનાવવાનું આયોજન કર્યું છે. આ નિર્માણ કાર્ય માટે આર્થિક સહયોગ મેળવવા દ્વિતીય સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સમુહ લગ્નમાં અનુસૂચિત જાતિની પિતા વગરની કન્યાઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. ત્યાર બાદ અન્ય ગરીબ પરિવારોની કન્યાઓને સમાવવામાં આવશે. દાતાઓના સહયોગથી તમામ કન્યાઓને સોના, ચાંદી, કપડાં અને ઘરવખરીની ૯૦ થી ૧૦૦ જેટલી વસ્તુઓ કન્યાદાન સ્વરૂપે આપવામાં આવશે. આ સમુહ લગ્નોત્સવ ૨૩ નવેમ્બર, ૨૦૨૫ (માંગસર સુદ ત્રીજ, રવિવાર) ના રોજ યોજાશે. જેમાં યુવતીની ઉંમર ૧૮ વર્ષ અને યુવકની ઉંમર ૨૧ વર્ષ પૂર્ણ હોવી ફરજિયાત છે. જે માટેના ફોર્મ ૧૫/૦૯/૨૦૨૫ થી ૨૫/૦૯/૨૦૨૫ દરમિયાન ટ્રસ્ટ સંચાલિત ડો. બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય, ભીમરાવ નગર, વિજય નગર પાસે, રોહીદાસ પરા, મોરબી ખાતેથી સવારે ૯ થી ૧૨ વાગ્યા દરમિયાન મેળવી શકાશે. તેમજ આધાર કાર્ડ અને જન્મ પ્રમાણપત્ર સાથે રાખીને ફોર્મ ભરવાના રહેશે. જે ભરેલા ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ ૦૫/૧૦/૨૦૨૫ છે.