ચારિત્ર્યની શંકા કરી પત્નીની હત્યા કરી કરાર થયેલા પતિને બી ડિવિઝન પોલીસે ત્રાજપર ચોકડી નજીકથી ઝડપી લીધો
મોરબી : મોરબીના ઘુંટુ રોડ ઉપર આઇકોન સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા મધ્યપ્રદેશના વતની શ્રમિકે પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા કુશંકા કરી હત્યા કરી નાખવાના બનાવમાં બી ડીવીઝન પોલીસે ગણતરીની કલાકોમાં હત્યારા પતિને ત્રાજપર ચોકડી નજીકથી ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ આઇકોન સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા અને ત્યાંજ કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની આરોપી કાનાભાઈ ઉર્ફે પ્યારસિંગ કકરિયાભાઈ બારેલા ઉ.35 નામના શખ્સે ગઈકાલે વહેલી સવારે તેની પત્ની બિંદાબેન ઉ.33ની માથાના ભાગે હથિયારના ઘા ઝીકી હત્યા કરી નાખી નાસી ગયો હતો.બનાવ અંગે મૃતકના ફૈબાના દીકરાએ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
હત્યાના આ બનાવમાં સીટી બી ડિવિઝન પોલીસે આરોપીના મોબાઈલ લોકેશન અને હ્યુમન સોર્સની મદદથી તપાસ વેગવાન બનાવતા આરોપી ત્રાજપર ચોકડી પાસે હોવાની બાતમી મળતા પોલીસે આરોપી કાનાભાઈ ઉર્ફે પ્યારસિંગ બારેલાને ત્રાજપર ચોકડી પાસેથી ઝડપી લીધો હતો. આરોપીની પૂછતાછમા 17 વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું અને ચારિત્ર્યની શંકા કુશંકાને કારણે પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું સામે આવતા પોલીસે આરોપીની વિધિવત ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.











