મોરબી : મોરબી શહેરના શનાળા રોડ પર આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડની શેરી ગરબીમાં આજે 33 વર્ષે પણ પ્રાચીન પરંપરા મુજબ રાસ ગરબા, આરતી કરીને માતાજીની આરાધના કરવાની સંસ્કૃતિ જળવાઈ રહી છે. ચારેકોર અર્વાચીન રસોત્સવની ધૂમ વચ્ચે આ ન્યુ હાઉસિંગ બોર્ડની શેરી ગરબીના આંગારા રાસ, ઇઢોણી રાસ સહિતના રાસો આજે પણ એટલી બધી જમાવટ કરી રહ્યા છે કે આ પ્રાચીન પરંપરા મુજબ રજૂ થતા રાસો નિહાળવા દૂર દૂરથી લોકો અહીં ઉમટી પડે છે.

શહેરના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં સમગ્ર લતાવાસીઓએ દર નવરાત્રીએ પ્રાચીન પરંપરા મુજબ માતાજીની ભક્તિ કરવા માટે વર્ષ 1993માં શેરી ગરીબીની શરૂઆત કરી હતી. ત્યારથી માંડીને આજદિન એટલે આ વર્ષે નવરાત્રીને 33 વર્ષ થવા છતાં આ ગરબીની પરંપરામાં જરાય ઓટ આવી નથી. આ વિસ્તારના લોકો આજે ભલે મોર્ડન અને હાઈટેક બન્યા હોવા છતાં તેમના મનમાં માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા હોવાથી ગરબાની આડમાં તેમને ક્યારેય સપનામાં પણ ફિલ્મી ગીતો રજૂ કરવાનો ખ્યાલ આવ્યો નથી. એટલે પરંપરાગત રીતે માતાજીના ગુણગાન ગાતા ગરબા જ રજૂ કરાઈ છે અને આ ગરબીમાં પાંચ વર્ષથી માંડીને 22 વર્ષ સુધીની દિકરીઓ ભક્તિભાવથી રાસ ગરબે રમીને જગદંબાની આરાધના કરે છે. મહત્વની વાત એ છે કે આ દીકરીઓ કોઈ ગરબા કલાસીસને બદલે અહીં જ એક મહિનાની તમામ રાસોની સઘન તાલીમ લઈને એવી રીતે રાસો રજૂ કરે છે કે જે જોઈને ભલભલા દંગ રહી જાય છે. આ ગરબીમાં 191થી વધુ બાળાઓ ભાગ લઈ રહી છે અને 40થી વધુ કાર્યકર્તાઓની ટીમ ગરબીની પરંપરા જાળવવા સખત મહેનત કરી રહી છે.
ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ ગરબી મંડળની સૌથી મોટી ઓળખ એ છે કે અહીંના રાસો સંપૂર્ણ પરંપરાગત અને જીવંત અભિનય સાથે યોજાય છે. મોરબીની વાણીયારી, સળગતી ઈઢોંણી, તલવાર રાસ, મોગલ માંનો રાસ, સાઢણી રાસ અને સૌથી આકર્ષક અંગારા રાસ જેવી રજૂઆતો દિકરીઓ દ્રારા થાય છે. અંગારા રાસ દરમિયાન બાળાઓ ખુલ્લા પગે અંગારાઓ પર રાસ રમીને માતાજીની ભક્તિ વ્યક્ત કરે છે. આ ક્ષણ માત્ર રોમાંચક જ નહીં પરંતુ ભક્તિભાવથી ભરપૂર બની રહે છે. ચાચર ચોકમાં યોજાતા રાસો દરમિયાન ઉંટ અને ઘોડા જેવા રિયલ અભિનય સામેલ થતા હોય છે, જેના કારણે દર્શકોને અનોખો અનુભવ મળે છે. આ પરંપરા આજ સુધી સતત જીવંત રાખવામાં આવી છે.
નવરાત્રિ પૂર્ણ થતા દરેક દિકરીને આયોજકો દ્રારા લ્હાણી વિતરણ કરવામાં આવે છે, જે તેમના ઉત્સાહ અને શ્રદ્ધાને વધારતું પ્રતીક બની રહે છે. મોરબીના ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ ગરબી મંડળે પરંપરા સાથે નવી પેઢીને જોડવાનો અનોખો પ્રયાસ કર્યો છે. આજે પણ અહીંના ગરબા અને રાસો માત્ર ભક્તિપૂર્વક માતાજીની આરાધનામાં જ રમી શકાય છે—એજ તેની ખાસિયત છે.









