વાહન વેચાણથી આવેલી તેજીના કારણે આરટીઓની તિજોરી છલકાય, આરટીઓને ટેક્સ પેટે રૂ. 5.20 કરોડની આવક
મોરબી : મોરબીમાં નવરાત્રીથી દશેરા સુધી એટલે કે 11 જ દિવસમાં મોરબી જીલ્લામાં અધધધ રૂ.69 કરોડની કિંમતના 2687 વાહનોનું વેચાણ થયુ છે. આમ તહેવાર ઉપર ઓટો મોબાઇલ્સ કંપનીને બખ્ખા થઈ ગયા છે. સાથોસાથ આરટીઓને પણ ટેક્સ પેટે મોટી આવક થઈ છે.
મોરબીમાં તા.22 સપ્ટેમ્બર એટલે કે પ્રથમ નોરતાથી લઈ 2 ઓક્ટોબર એટલે કે દશેરા સુધી વાહન વેચાણમાં ધરખમ વધારો નોંધાયો છે. આ દરમિયાન મોરબી જિલ્લામાં સૌથી વધુ 1827 બાઇક અને સ્કૂટર વેચાયા છે. જેની કિંમત રૂ.13.11 કરોડ થાય છે. જેમાંથી આરટીઓને ટેક્સ પેટે રૂ.79.28 લાખની આવક થઈ છે. આ સાથે 531 કાર વેચાય છે. જેની કિંમત રૂ.34.25 કરોડ છે. આમાંથી આરટીઓને ટેક્સ પેટે રૂ.2.83 કરોડની આવક થઈ છે.
આ ઉપરાંત બીજા વાહનોની વિગતો જોઈએ તો રૂ.2.78 કરોડની કિંમતના 67 એગ્રીકલ્ચર અને 20 કોમર્શિયલ મળી 87 ટ્રેકટર વેચાયા છે. 21 ગુડ્ઝ અને 90 પેસેન્જર રીક્ષા વેચાય છે. રૂ.9.22 કરોડની કિંમતના 20 ડમ્પર વેચાયા છે. રૂ.8.45 કરોડના ગુડ્ઝ કેરિયર વ્હીકલ વેચાયા છે. આ ઉપરાંત 1 બસ, 4 કન્સ્ટ્રક્શન ઇકવિપમેન્ટ વ્હીકલ, 3 હાર્વેસ્ટર મળી કુલ 2687 વાહનોનું વેચાણ થયુ છે. જેની કુલ કિંમત રૂ.69.16 કરોડ છે. વાહન વેચાણમાં આવેલી આ તેજીના કારણે આરટીઓની તિજોરી પણ છલકાય છે. આરટીઓને ટેક્સ પેટે રૂ.5.20 કરોડની આવક થઈ છે.










