મોરબી : માળિયા (મિયાણા) તાલુકાના તરઘડી ગામે ગ્રામજનો વિરુદ્ધ થયેલી એટ્રોસિટીની ફરિયાદ તદ્દન ખોટી હોવાનું જણાવી આવી ખોટી ફરિયાદ રદ કરી ફરિયાદ કરનાર સામે કાનુની કાર્યવાહી કરવાની માગ સાથે ગ્રામજનોએ એકઠા થઈને મોરબી જિલ્લા કલેક્ટર અને મોરબી જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી છે.
રજૂઆત કરનાર ગામના આગેવાનોએ જણાવ્યું હતું કે તરઘડી ગામના અનુસુચિત જાતિના લોકોએ 329 સર્વે નંબરની જમીનમાં સ્મશાન માટેની જમીન ફાળવવા રજૂઆત કરી હતી. પરંતુ આ જમીન ગૌચરની હોય અને ખેડૂતોના વાડા આવેલા હોવાથી પંચાયત દ્વારા સર્વે નંબર 331 પૈકી 2ની જમીન સ્મશાન માટે ફાળવવા ઠરાવ કર્યો હતો. જેથી ગ્રામ પંચાયતના અનુસુચિત જાતિના સભ્ય સહિતનાઓ વિરોધ કર્યો હતો અને 329 સર્વે નંબરની જગ્યામાં જ સ્મશાનની જમીન ફાળવવા કહ્યું હતું. ત્યારબાદ વિરોધ કરનાર પંચાયતના સભ્ય ત્રણ સંતાનના માતા હોય તેઓને સભ્યમાંથી ગેરલાયક ઠેરવવા રજૂઆત થઈ હતી. જેની સામે સભ્યે તરઘડી ગામના નાગરિકો ભાવેશભાઈ સાવરીયા, પ્રકાશભાઈ ફુલતરીયા, બળવંતભાઈ કુકરવાડીયા અને ઘેલાભાઈ સુવારીયાને એટ્રોસિટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ ચારેય વ્યક્તિઓ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. ગ્રામજનો દ્વારા રજૂઆતમાં આ ફરિયાદ એકદમ ખોટી હોય ગ્રામજનોએ આ ફરિયાદ રદ કરી ખોટી ફરિયાદ કરનાર વિરુદ્ધ કાનુની પગલા લેવા માગ કરી છે.












