મોરબી : તાજેતરમાં ઇલેક્ટ્રોનિક મીડિયામાં મોરબીના સિરામિક ઉદ્યોગમાં પરપ્રાંતિય શ્રમિકોને ગોંધી રાખવામાં આવતાં હોવાના જે સમાચાર પ્રસારિત થયા હતા, તે અંગે મોરબી સિરામિક એસોસિએશને વિગતવાર તપાસ હાથ ધરી છે. એસોસિએશનના જણાવ્યા મુજબ, આ ફરિયાદ તદ્દન ખોટી અને તથ્યવિહિન સાબિત થઈ છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે, હકીકતમાં કોન્ટ્રાક્ટરની ગેરહાજરીના કારણે પરપ્રાંતિય શ્રમિકોના એક માસના પગારની ચૂકવણીમાં વિલંબ થયો હતો. મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખે સ્પષ્ટતા કરી છે કે મોરબીના સિરામિક ઉદ્યોગના કોઈપણ યુનિટમાં શ્રમિકોને ગોંધી રાખવાની ઘટના આજ દિવસ સુધી બની નથી. સિરામિક ઉદ્યોગ પરિવારે હંમેશાં શ્રમિકોના હિત અને કલ્યાણ માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે અને અહીં કોઈની પાસેથી બળજબરીપૂર્વક કામ લેવાતું નથી.
મોરબીનો સિરામિક ઉદ્યોગ વિવિધ રાજ્યોમાંથી આવતા પરપ્રાંતિય શ્રમિકો માટે રોજગાર, પારિવારિક અને સન્માનપૂર્ણ વાતાવરણ પૂરું પાડે છે, જેના કારણે શ્રમિકો સ્વૈચ્છિક રીતે અહીં આવે છે. આ જ કારણોસર ઉદ્યોગે વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે. એસોસિએશને મોરબીના સિરામિક ઉદ્યોગને બદનામ કરવાનો પ્રયાસ કરી રહેલા અમુક તત્વોની આકરી નિંદા કરી છે.











