મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર કન્ટેનર પલ્ટી મારી કાર માથે પડતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં કાર સવાર પતિ-પત્નીના મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓના મૃતદેહને મોરબી સિવિલ ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જુના ઘુંટુ રોડ ઉપર નવ નાલા તરીકે ઓળખાતા પુલિયા પાસે આજે બપોરે 12 વાગ્યાના અરસામાં એક અકસ્માત સર્જાયો હતો. જેમાં વણાંક લેતી વેળાએ એક કન્ટેનર પલ્ટી મારી ગયું હતું. આ કન્ટેનર કાર માથે પડયુ હતું. કારમાં ટંકારાના દેવીપૂજક વાસમાં રહેતા પરિવારના 4 લોકો સવાર હતા. આ અકસ્માતમાં મંજુબેન મનસુખભાઇ કુંઢીયા ઉ.વ.40 અને તેમના પતિ મનસુખભાઇ મનજીભાઈ કુંઢીયા ઉ.વ.45નું મોત નીપજ્યું છે. મંજુબેનના ભાઈનું નિધન થતા તેઓ પતિ સાથે હળવદ માઠા પ્રસંગે ગયા હતા. જ્યાંથી તેઓ કારમાં પરત ટંકારા આવી રહ્યા હતા. તે વેળાએ આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં નાથાભાઈ મનજીભાઈ કુંઢીયા (ઉ.વ.60) અને જયાબેન નાથાભાઈ કુંઢીયા (ઉ.વ.55)ને ગંભીર ઇજાઓ પહોંચી હોવાની માહિતી મળી છે.










