મોરબી: રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ – 2026ની ઉજવણીના ભાગરૂપે, પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર, આર્યાવર્ત કોલેજ, લક્ષ્મી નગર ખાતે એક વિશેષ ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ, આર.ટી.ઓ. અને 108ની ટીમે સંયુક્તપણે ભાગ લીધો હતો.
આ જાગૃતિ કાર્યક્રમમાં બહુરૂપી કલાકાર દ્વારા ધારણ કરેલ યમરાજનું સ્વરૂપ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. યમરાજના પાત્ર દ્વારા વિદ્યાર્થીઓને અસરકારક સંદેશ આપવામાં આવ્યો કે “જો ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરવામાં આવે, તો યમરાજ તમારા પ્રાણ હરી લેશે.” પોલીસ ઇન્સ્પેક્ટર (ટ્રાફિક)ના માર્ગદર્શન હેઠળ, ટ્રાફિક પી.એસ.આઇ. ઠક્કર, આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર મેવાડા અને 108ની ટીમે સાથે મળીને વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું મહત્વ સમજાવ્યું હતું. તેમજ તમામ વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી અને જાગૃતિ ફેલાવવાના હેતુથી પેમ્પલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.












