મોરબી અને માળિયા તાલુકાના વિવિધ ગામોમાંથી પસાર થતી ખાવડાથી નાગપુર સુધીની હેવી વીજલાઈનથી અસરગ્રસ્ત ખેડૂતોએ આજે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી અગાઉથી જ વળતર જાહેર કરવાની માંગ કરી છે. આ સાથે તમામ નુક્સાનીને ધ્યાનમાં રાખીને વળતર આપવામાં આવે તેવી પણ માંગ ઉઠાવી છે.
રજુઆતમાં ખેડૂતોએ જણાવ્યું કે ગુજરાત હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જી કચ્છ ડ્રીમ પ્રોજેકટ ઝડપથી પૂર્ણ થઈ રહ્યો છે. ખાવડાથી નાગપુર સુધી જે હેવી વીજલાઈન જઈ રહી છે. તેમાં અમારો વિરોધ નથીન અમારી જાણ મુજબ અનેક લાઈનો પસાર થઈ રહી છે. આમાં ખેડૂતોને યોગ્ય વળતર મળે અને યોગ્ય કાર્યપધ્ધતિથી કામ થાય તેવી અમારી માંગ છે. મુખ્ય માંગણી છે કે હેવી વીજલાઈનથી થઈ રહેલ નુકશાનીનો સાચો અંદાજ લગાવવામાં આવે.
વીજલાઈનના કારણે ખેતીલાયક જમીન ઓછી થઇ રહી છે. બજાર કિંમતમાં 50% નો ઘટાડો થઈ રહ્યો છે. ફળદ્રુપતામાં ઘટાડો થઈ રહ્યો છે. વીજ કરન્ટ લાગવાનો ભય છે. જમીન બિનખેતી ના થઈ શકે તે સહિતના નુકસાન છે. અમને ડર છે કે પોલીસના જોરે કામ કરાવવામાં આવશે એટલે વાણિજય વળતર લેખિત રીતે જાહેર કરવામાં આવે. આ લાઈન અંદાજે 28 ગામોમાંથી પસાર થઈ રહી છે. વધુમાં ખેડૂતોએ માંગ કરી છે કે 2 કરોડ રૂપિયાનું વળતર ચુકવવામાં આવે અને રૂ.50 હજાર ભાડું આપવામાં આવે. ઉપરાંત અમુક ખેડૂતોએ બજાર કિંમત પ્રમાણે વળતર માંગ્યું છે અને ભાડા કરારની પણ માંગ કરી છે.











