Monday, August 17, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ

વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ

સંસ્કૃત ભાષાનો પુનરુત્થાન યજ્ઞ: રાતીદેવડીથી ‘વિનૂતન સંસ્કૃત કક્ષ યોજના’ સુધીની પ્રેરણાદાયી સફર શિક્ષણ અને સંસ્કારની ભૂમિ ગુજરાતમાં જ્યારે એક શિક્ષકની દીર્ઘદ્રષ્ટિ સરકારી યોજનાનું રૂપ લે, ત્યારે તે પરિવર્તનનું મોટું નિમિત્ત બને છે. આવું જ એક ભગીરથ અને વંદનીય કાર્ય રાતીદેવડી પ્રાથમિક શાળાના શિક્ષિકા ડૉ. પાયલબેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. તેમણે શાળામાં એક વિશેષ ‘સંસ્કૃત કક્ષ’નું નિર્માણ કરીને બાળકોમાં દેવભાષા સંસ્કૃત પ્રત્યે રુચિ અને પ્રેમ જગાડ્યો છે. મહર્ષિ પાણિનીના સમૃદ્ધ વિચારો અને વ્યાકરણની પરંપરાને પુનઃ જીવંત કરવાનો આ એક અનોખો અને સ્તુત્ય પ્રયાસ છે.
ડૉ. પાયલબેન ભટ્ટના આ નવીન ઉપક્રમની નોંધ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા લેવામાં આવી હતી. બોર્ડે આ સફળ પ્રયોગની પ્રશંસા કરીને ગુજરાત સરકારને તેની સત્તાવાર ભલામણ કરી. પરિણામે, ગુજરાત સરકારે આ ક્ષેત્રે ઐતિહાસિક નિર્ણય લેતાં સમગ્ર રાજ્યમાં પાઇલટ પ્રોજેક્ટ રૂપે ‘વિનૂતન સંસ્કૃત કક્ષ યોજના’ અમલમાં મૂકી. આ યોજના અંતર્ગત ગુજરાત સંસ્કૃત બોર્ડને ₹૨.૫ કરોડની માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. અને આજદિન સુધી 500 થી પણ વધુ શાળા આ યોજના નો લાભ લહી ચૂકી છે.જે શાળાઓ પોતાની જગ્યામાં સંસ્કૃત કક્ષનું નિર્માણ કરવા ઈચ્છતી હોય, તેવી શાળાઓને ₹૫૦,૦૦૦ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
આ યોજનાના કારણે રાતીદેવડી શાળાના બાળકો માત્ર સંસ્કૃત ભાષા સરળતાથી શીખતા થયા છે એટલું જ નહીં, પરંતુ ગ્રામજનોને પણ આ સાંસ્કૃતિક જાગૃતિનો પ્રત્યક્ષ લાભ મળ્યો છે.
આજ રોજ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલીવાલ સાહેબે રાતીદેવડી પ્રાથમિક શાળાની ખાસ મુલાકાત લીધી હતી. તેમણે શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સંસ્કૃત કક્ષની સરાહના કરી હતી. આ પ્રસંગે ગામના ઇન્ચાર્જ સરપંચ બળવંતભાઈ વોરા, મહાવીરસિંહ ઝાલા, ડૉ. પાયલબેન ભટ્ટ, ગીતાબેન વાઘેલા, પ્રતાપસિંહ ઝાલા તથા અશરફભાઈ માથકીયા સહિતના અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ. પાયલબેન ભટ્ટની આ નિષ્ઠા, ગુજરાત સંસ્કૃત બોર્ડનું માર્ગદર્શન અને ગુજરાત સરકારના સકારાત્મક અભિગમને કોટિ કોટિ વંદન. રાતીદેવડીથી શરૂ થયેલી આ જ્ઞાનગંગા સમગ્ર ગુજરાતની શાળાઓમાં સંસ્કૃત ભાષાના ગૌરવને પુનઃ પ્રસ્થાપિત કરશે તેમાં કોઈ શંકા નથી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments