મોરબી: સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ, મોરબી ખાતે તા. 11/01/2026ના રોજ પૂર્વ વિદ્યાર્થી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં પૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ખાસ કરીને મુંબઈ અને દિલ્હી જેવા દૂરના શહેરોમાંથી પણ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર આ સંમેલનનો ભાગ બનવા આવ્યા હતા.
કાર્યક્રમનો શુભારંભ ટી.વાય.ની વિદ્યાર્થિનીઓ સોલંકી ભૂમિકા, સવાડીયા પૂનમ, અને સોલંકી ભારતીએ પ્રાર્થના થકી કર્યો હતો. કોલેજના જ પૂર્વ વિદ્યાર્થી અને હાલમાં અધ્યાપક પ્રો. કે. આર. દંગીએ મહેમાનોનું સ્વાગત અને પ્રાસંગિક સંબોધન કર્યું હતું.
આ સંમેલનમાં ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ લેખક નીતિનભાઈ વડગામા સહિત ડો. રાજેશ મકવાણા, ડૉ. સતીશ ડાંગર, જયેશભાઈ દવે, ડૉ. ભાવેશ જેતપરિયા, અને ડૉ. મયુર જાની જેવી અનેક સિદ્ધ હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. નીતિનભાઈ વડગામા અને ડૉ. રાજેશ મકવાણાએ પોતાના વિદ્યાર્થી કાળના અને ગુરુજનોના સંસ્મરણો વાગોળી સૌ મિત્રો સાથે ભાવનાત્મક પળોની વહેંચણી કરી હતી.
સર્વોદય એજ્યુકેશન સોસાયટીના મંત્રી રજનીભાઈ મહેતા અને ટ્રસ્ટી દેવાંગભાઈ દોશી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના આચાર્ય ડૉ. રામભાઈ વારોતરીયાએ પૂર્વ વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને વર્તમાન કોલેજ પરિસરથી વાકેફ કરાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. કવિતાબા ઝાલાએ કર્યું હતું. આભારવિધિ પ્રા. જે. એમ. કાથડે કરી હતી. પ્રા. જે. એમ. કાથડ, એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. અતુલભાઇ ધ્રુવ, ડૉ. નાજાભાઈ કોડીયાતર, સ્ટાફ પરિવાર અને એન.એસ.એસ.ના સ્વયંસેવકોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. અંતે, સર્વે ઉપસ્થિતજનોએ સાથે મળીને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો હતો અને કોલેજ પરિસરમાં, ક્લાસરૂમમાં તેમજ પુસ્તકાલયમાં બેસીને પોતાના જૂના સંસ્મરણો તાજા કર્યા હતા.













