મકરસંક્રાંતિના મહાપર્વ નિમિત્તે સૌ કોઈ સવારથી અગાસી પર ચડી પતંગ ચગાવી ઉત્સાહભેર પર્વની ઉજવણી કરી રહ્યું છે. આવી જ રીતે ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાએ પણ પોતાના મતવિસ્તાર રવાપરમાં પતંગ ચગાવી મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય દુર્લભજી દેથરીયાએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લાના લોકો ધાર્મિક અને સંસ્કારસભર છે, જેઓ વિવિધ તહેવારો ઉદારતાથી દાન કરી અને સલામતી સાથે ઉજવે છે. મકરસંક્રાંતિનો તહેવાર પણ લોકો ઉત્સાહ અને સુરક્ષાના નિયમોનું પાલન કરી મનાવી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ત્રણ દિવસીય પતંગ મહોત્સવનો પ્રારંભ કર્યો છે, જેમાં દેશ-વિદેશના પ્રવાસીઓ પણ ભારત આવી પતંગ ઉડાવી આપણા દેશની સંસ્કૃતિ અને પરંપરાનો આનંદ લઈ રહ્યા છે. આવા તહેવારો ભારતીય સંસ્કૃતિને વિશ્વભરમાં ઓળખ અપાવે છે એમ તેમણે ઉમેર્યું હતું.













