મોરબી તાલુકાના પીપળી ગામ નજીક આવેલ માનસધામ 1 અને 2, ગોકુલધામ તેમજ ત્રિલોકધામ સોસાયટીમાં બિલ્ડરો દ્વારા મકાનની મંજૂરીથી લઈ રોડ, રસ્તા, પાણી અને કોમન પ્લોટ સહિતની સુવિધા ન આપતા ગઈકાલે સોસાયટીના રહેવાસીઓ રસ્તા પર ઉતરી આવી ચક્કાજામ કરતા અંતે છેતરપિંડી કરનાર ત્રણ બિલ્ડરો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના પીપળી ગામના સર્વે નંબરમાં વર્ષ 2019થી લઈ વર્ષ 2022 સુધીમાં માનસધામ-1,માનસધામ -2, ગોકુલધામ અને ત્રિલોકધામ નામની અલગ અલગ ચાર સોસાયટી બનાવી બિલ્ડરોએ મકાન ખરીદનાર ગરીબ-મધ્યમવર્ગના લોકોને રોડ, રસ્તા, પાણી, લાઈટ અને કોમનપ્લોટ સહિતની સુવિધા આપવા સરકારમાં તેમજ મકાન ખરીદનાર લોકોને વાયદો કર્યો હતો પરંતુ આજદિન સુધી સુવિધા ન આપતા સ્થાનિક નાગરિકોએ જિલ્લા કલેકટર કચેરીએ ધરણા કરવા છતાં પ્રશ્નનો ઉકેલ ન આવતા ગઈકાલે સ્થાનિક 400 જેટલા મકાન ધારકો જેતપર – પીપળી રોડ પર ઉતરી આવી કલાકો સુધી ચક્કાજામ કર્યો હતો. આ તકે ડીવાયએસપીએ છેતરપિંડી આચરનાર બિલ્ડરો વિરુદ્ધ ગુન્હો નોંધવા ખાતરી આપતા આંદોલન સમેટાયું હતું.
બીજી તરફ પોલીસે આપેલ ખાતરી મુજબ જ ગોકુલધામના રહીશ 1. ભરતભાઇ વિઠ્ઠલભાઇ પરમારની ફરિયાદના આધારે આરોપી બિલ્ડર હસમુખ વલમજી પટેલ (રહે.ઈશ્વર નગર, હળવદ), 2. માનસધામ સોસાયટીના રહેવાસી જગદીશભાઈ ઘેલાભાઈ બોરીચાની ફરિયાદના આધારે આરોપી બિલ્ડર મનીષ કેશવજી કાલરીયા (રહે.અવધ-4, પાટીદાર ગઢ), નાની કેનાલ રોડ મોરબી અને 3. ત્રિલોકધામ સોસાયટીમાં રહેવાસી વિનોદભાઈ ભલાભાઈ ચાવડાની ફરિયાદના આધારે આરોપી પ્રવીણ ગણેશ ગામી (રહે.શિવપુર તા.હળવદ વાળા) વિરુદ્ધ સોસાયટીમાં રહેવાસીઓને રોડ, રસ્તા, પાણી સહિતની સુવિધા નહિ આપી છેતરપીંડી આચરવા મામલે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.











