મોરબી તાલુકાના મધુપુર ખાતે આવેલ પ્રખ્યાત મેલડીધામ મંદિરે દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વર્ષોથી અનક્ષેત્રનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. દર રવિવારે મંદિર ખાતે આવતા દર્શનાર્થીઓની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.
આ વધતા શ્રદ્ધાળુઓને વધુ સુવ્યવસ્થિત રીતે ભોજન પ્રસાદ મળી રહે તે હેતુથી મંદિર ટ્રસ્ટ દ્વારા એક સાથે અંદાજિત બે હજાર જેટલા ભક્તો ભોજન પ્રસાદ લઈ શકે તે ઉદ્દેશ સાથે નવા રસોડા અને સ્ટોર રૂમના નિર્માણ કાર્યની શરૂઆત કરવામાં આવી છે. આ નિર્માણ કાર્ય માટે ક્ષત્રિય સમાજના અગ્રણી અને મોરબીના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ વિક્રમસિંહ લગધીરસિંહ જાડેજા (વવાણીયા) દ્વારા મંદિર ટ્રસ્ટને રૂ. ૨,૫૧,૦૦૦/- (રૂ. બે લાખ એકાવન હજાર) ની આર્થિક સહાય અર્પણ કરવામાં આવી છે. મેલડીધામ મધુપુર મંદિર ટ્રસ્ટના પ્રમુખ જયદેવસિંહ જાડેજા (મધુપુર) દ્વારા એક યાદી મારફતે આ માહિતી જાહેર કરવામાં આવી હતી અને દાન આપનાર દાતાશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.












