મોરબી: શહેરમાં પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્યની જાળવણી માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. મોરબીના જાણીતા મયૂર નેચર ક્લબની રજૂઆતને ધ્યાને રાખીને, શહેરના સુરજ બાગમાં આવેલા 5 કેનોકાર્પસ વૃક્ષોને દૂર કરવામાં આવ્યા છે.
મયૂર નેચર ક્લબ દ્વારા મહાનગરપાલિકા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે કેનોકાર્પસના વૃક્ષો પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ રહ્યા છે. ખાસ કરીને આ વૃક્ષોના પરાગરજથી શ્વાસ લેવામાં તકલીફ અને એલર્જી જેવી સમસ્યાઓ થવાની ભીતિ રહેલી છે.
પર્યાવરણ પ્રેમીઓની આ વાજબી માંગણીને સ્વીકારીને મોરબી મહાનગરપાલિકાએ તાત્કાલિક પગલાં લીધા હતા અને સુરજ બાગના બગીચામાંથી આ વૃક્ષોને હટાવવાની કામગીરી પૂર્ણ કરી છે. આ નિર્ણયને મોરબીના પ્રકૃતિ પ્રેમીઓએ આવકાર્યો છે.









