Friday, February 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવીજળી સુધારા બિલ - 2025 સામે મોરબી સહિત ગુજરાતભરમાં વીજ કર્મચારીઓનો વિરોધ

વીજળી સુધારા બિલ – 2025 સામે મોરબી સહિત ગુજરાતભરમાં વીજ કર્મચારીઓનો વિરોધ

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવનાર વીજળી (સુધારા) બિલ-2025 અને વીજ ક્ષેત્રના ખાનગીકરણ વિરોધે ગુજરાતભરમાં વીજ કર્મચારીઓએ આજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિના નેજા હેઠળ રાજ્યની સાતેય ઊર્જા કંપનીઓના અંદાજે 45,000 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ જિલ્લા મથકો પર એકત્રિત થઈ પ્રદર્શન કર્યું હતું.

મોરબી સહિત મહેસાણા, રાજકોટ, વડોદરા, સુરત સહિતના તમામ જિલ્લા મથકો પર કર્મચારીઓએ ઓફિસોની બહાર આવી સૂત્રોચ્ચાર સાથે રેલી અને વિરોધસભા યોજી હતી. કર્મચારીઓએ ચેતવણી આપી કે સંસદના બજેટ સત્ર દરમિયાન જો વીજળી (સુધારા) બિલ પસાર કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

સંકલન સમિતિ અને ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે વીજ ક્ષેત્રનું ખાનગીકરણ ગરીબ ગ્રાહકો, મધ્યમ વર્ગ અને નાના ઉદ્યોગોના હિતોને નુકસાનકારક સાબિત થશે. તેમણે આશંકા વ્યક્ત કરી કે ખાનગીકરણથી વીજ દરોમાં વધારો થવાની શક્યતા છે તેમજ કર્મચારીઓની નોકરીની સુરક્ષા પર પ્રશ્નચિહ્ન ઊભું થઈ શકે છે.

મુખ્ય માંગણીઓ: કર્મચારીઓએ પોતાની રજૂઆતમાં વીજળી (સુધારા) બિલ–2025 અને રાષ્ટ્રીય વીજળી નીતિ–2026 તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરી છે. ઉપરાંત વીજ ક્ષેત્રમાં ચાલતી ખાનગીકરણની પ્રક્રિયા રદ કરવી, જૂની પેન્શન યોજના (OPS) પુનઃસ્થાપિત કરવી તથા નિયમિત કાર્યોમાં આઉટસોર્સિંગ બંધ કરીને સીધી ભરતી કરવાની માંગણીઓ પણ ઉઠાવવામાં આવી છે. હાલના આઉટસોર્સ્ડ કર્મચારીઓને નિયમિત કરવા પણ જોરદાર રજૂઆત કરવામાં આવી છે.

સંકલન સમિતિના આગેવાનો બળદેવ એસ. પટેલ અને એચ. જી. વઘાસીયાએ જણાવ્યું હતું કે કર્મચારીઓની એકતા સરકાર સુધી સ્પષ્ટ સંદેશ પહોંચાડે છે. તેઓએ ઉમેર્યું કે માંગણીઓ પર યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી સમયમાં વધુ કડક પગલાં લેવાશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. કાર્યક્રમ અંતે સંકલન સમિતિએ રાજ્યભરના હોદ્દેદારો અને સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો તથા આગલા કાર્યક્રમો માટે સંગઠિત રહેવા અપીલ કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments