મોરબી : મોરબીના આંગણે કઠિયા સઈ-સુતાર (દરજી) જ્ઞાતિ દ્વારા ભક્તિભાવપૂર્વક મહારુદ્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જ્ઞાતિની વાડી ખાતે આજે મહાશિવરાત્રીના દિવસે યોજાયેલ આ કાર્યક્રમની ખાસિયત એ હતી કે સમગ્ર ગુજરાતમાં દરજી સમાજમાં સૌપ્રથમ વખત આવું સામૂહિક રુદ્રાભિષેક અને મહારુદ્રીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે વિગતો આપતા મચ્છુ કઠિયા સઈ-સુતાર (દરજી) જ્ઞાતિના પ્રમુખ દીપકભાઈ ભગવાનજીભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, આ આયોજનને લઈને સમાજના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. માત્ર જાહેરાત કર્યાના ટૂંકા ગાળામાં જ જ્ઞાતિજનો તરફથી જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો હતો.
સૌપ્રથમ વાર આયોજન: ઓલ ઓવર ગુજરાતમાં દરજી સમાજમાં પ્રથમ વખત આ પ્રકારનું સામૂહિક મહારુદ્રીનું આયોજન થયું છે.
૧૧૬ યજમાનો: આ પવિત્ર કાર્યમાં કુલ ૧૧૬ લોકોએ પૂજામાં બેસીને લ્હાવો લીધો હતો. જેમાં ૫૦ દંપતીઓ પૂજામાં બેઠાં હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે છેલ્લા એક અઠવાડિયાથી ટ્રસ્ટી મંડળ અને યુવા કાર્યકરો રાત-દિવસ મહેનત કરી રહ્યા હતા. યુવાનોની તનતોડ મહેનત અને વડીલોના માર્ગદર્શનથી આ કાર્યક્રમ ખુબ જ સફળ રહ્યો હતો. શિવ ભક્તિના આ માહોલમાં સમગ્ર દરજી સમાજ હિલોળે ચડ્યો હતો.










