મોરબી : મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા પંચાસર રોડ પર માત્ર છ મહિના પહેલા જ બનેલા સિમેન્ટ કોન્ક્રીટ રોડમાં ગાબડા પડતા ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા છે. આ મામલે ગુજરાત આમ આદમી પાર્ટીના જોઇન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
પત્રમાં જણાવ્યા અનુસાર, પંચાસર રોડને સિમેન્ટ કોન્ક્રીટથી મઢવાનું કામ છ મહિના પહેલા જ કરવામાં આવ્યું હતું, છતાં હાલમાં આ રોડ પર મોટા ગાબડા પડી ગયા છે. કાંતિલાલ બાવરવાએ સવાલ ઉઠાવ્યો છે કે શું સિમેન્ટ કોન્ક્રીટના રોડનું આયુષ્ય આટલું જ હોય છે? લોકોના ટેક્સના પૈસાથી થતા સરકારી કામો જો આટલા નબળા થાય તો તેના માટે જવાબદાર કોણ?
વધુમાં જણાવાયું છે કે, આ કામ મંજૂર કરનાર અધિકારી, કામ કરાવનાર અધિકારી અને કોન્ટ્રાક્ટરની કોઈ જવાબદારી બને છે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે. જો આમ જ ચાલશે તો મોરબીમાં બધા જ રોડ દર વર્ષે નવા બનાવવા પડશે. આ મામલે યોગ્ય તપાસ કરાવીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.












