મોરબી : મોરબીની પ્રતિષ્ઠિત નવયુગ વિદ્યાલયમાં અલગ અલગ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓની સિદ્ધિઓને બિરદાવવા માટે “સિતારે નવયુગ ઇનામ-વિતરણ સન્માન સમારોહ 2026” નું અત્યંત ભવ્ય અને શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવયુગ ગ્રુપના પ્રમુખ પી.ડી. કાંજીયા અને મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈની પ્રેરક હાજરીએ સમગ્ર કાર્યક્રમને વિશેષ ગૌરવ પૂરું પાડ્યું હતું અને વિદ્યાર્થીઓમાં નવી ઊર્જાનો સંચાર કર્યો હતો.
આ કાર્યક્રમમાં વિશેષતા એ રહી કે મુખ્ય અતિથિ તરીકે નવયુગના જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં V.H.P. અધ્યક્ષ જીલેશભાઈ કાલરીયા, ડૉ. વૈશાલીબેન વડનગરા, ડૉ. તૃપ્તિબેન સાવરીયા, ડૉ. ઉત્તમભાઈ ઉઘરેજા, રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા કમલેશભાઈ દલસાણીયા અને એડવોકેટ ધ્રુમિલભાઈ ભીમાણીએ ખાસ હાજરી આપી હતી અને પોતાના હસ્તે ઇનામ વિતરણ કરી તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમારોહમાં S.S.C. અને H.S.C. બોર્ડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ટોપર્સ તેમજ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સર્જનાત્મક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેણે ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા. બહોળી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિએ આ સમારોહની ભવ્યતા અને ઉત્સાહમાં બેવડો વધારો કર્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા માટે મેનેજિંગ ડિરેક્ટર નિલેશભાઈ અઘારા અને પ્રિન્સિપાલ નરેન્દ્રભાઈ સંતોકીના સઘન માર્ગદર્શન હેઠળ સંસ્થાના શિક્ષકો અને તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.













