મોરબી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, મોરબી જિલ્લાની નવી કાર્યકારિણીની રચના ઉત્સાહભેર પૂર્ણ કરવામાં આવી છે. શિક્ષણક્ષેત્રમાં ગુણવત્તા વધારવા, શિક્ષકોના હિતોની સુરક્ષા કરવા અને સંગઠનને વધુ સશક્ત બનાવવાના હેતુ સાથે પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં નવી ટીમની ઘોષણા કરવામાં આવી હતી.
મોરબી મહાસંઘના જિલ્લા અધ્યક્ષ તરીકે સતત 7 વર્ષથી વધુ સમયથી સફળ નેતૃત્વ પૂરું પાડનાર અને સંગઠનનો વિસ્તાર કરનાર દિનેશભાઈ વડસોલાને મહાસંઘની કાર્યપ્રણાલી અને સંગઠનના નિયમ મુજબ જિલ્લા અધ્યક્ષની જવાબદારીમાંથી મુક્ત કરી ગુજરાત પ્રાંત ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમની જગ્યાએ અધ્યક્ષ તરીકેની જવાબદારી મોરબીના કિરણભાઈ કાચરોલાને સોંપવામાં આવી છે. જ્યારે હળવદના પ્રવિણભાઈ ધોળુને જિલ્લા મંત્રી, હિતેશભાઈ ગોપાણીને પ્રાંત સંગઠન મંત્રી અને કિરીટભાઈ દેકાવાડીયાની રાજ્યના પ્રતિનિધિ તરીકે વરણી કરવામાં આવી છે.
આ ઉપરાંત, મોરબી જિલ્લા સંગઠન મંત્રી તરીકે હળવદના કરશનભાઈ ડોડીયા અને વરિષ્ઠ ઉપાધ્યક્ષ તરીકે મોરબીના સંદીપભાઈ આદ્રોજા જવાબદારી સંભાળશે. જિલ્લાના ઉપાધ્યક્ષ તરીકે વાંકાનેરના અશોકભાઈ સતાસિયા, ડૉ. લાભુબેન કારાવદરા, ટંકારાના ડાયાલાલ બારૈયા અને હળવદના નરેશભાઈ સોનગ્રા નિમાયા છે. મહિલા પાંખમાં પણ મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે, જેમાં મહિલા ઉપાધ્યક્ષ તરીકે મોરબીના કિરણબેન આદ્રોજા, મહિલા મંત્રી તરીકે વીણાબેન કે. દેસાઈ તથા મહિલા સહમંત્રી તરીકે પ્રજ્ઞાબેન ફુલતરીયા કાર્ય કરશે. જ્યારે કોષાધ્યક્ષ તરીકે વાંકાનેરના નિરવભાઈ બાવરવા, સહ સંગઠન મંત્રી તરીકે મોરબીના હિતેશભાઈ પાંચોટીયા અને રમેશભાઈ ચાવડા, આંતરિક ઓડિટર તરીકે જયેશભાઈ જેઠલોજા તેમજ પ્રચાર પ્રમુખ તરીકે હરમિતભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે.
આ પ્રસંગે સંગઠનના આગેવાનોએ જણાવ્યું હતું કે આ નવી કાર્યકારિણી શિક્ષણક્ષેત્રમાં નવી દિશા અને ગતિ લાવશે. શિક્ષકોના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ, શૈક્ષણિક ગુણવત્તામાં વધારો અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સંગઠન સતત કાર્યરત રહેશે. ઉપસ્થિત સભ્યોએ નવી ટીમને અભિનંદન પાઠવી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમની આગેવાની હેઠળ મહાસંઘ મોરબી જિલ્લામાં નવી ઊંચાઈઓ સર કરશે અને સંગઠન વધુ મજબૂત બનશે.










