મોરબી એલ.સી.બી.ની ટીમે ટંકારા તાલુકાના સરાયા ગામમાં એક રહેણાંક મકાનમાં દરોડો પાડી મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. મકાન માલિકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂ સપ્લાય કરનાર અન્ય એક શખ્સને પકડવા માટે પોલીસે તપાસ તેજ કરી છે.
વિગતો મુજબ, મોરબી એલ.સી.બી.ને મળેલી ચોક્કસ બાતમીના આધારે સરાયા ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા ઇમ્તીયાજ ઉર્ફે ઇન્તુ અબ્દુલભાઇ જેસાણીના મકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની રેઈડ દરમિયાન મકાનમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો ૨૮૯ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે ૫૭,૮૦૦ રૂપિયા થાય છે. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ જથ્થો રાજકોટના જારીયા ગામના રાહુલ દેવીપુજક નામના શખ્સે પૂરો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી ઇમ્તીયાજની ધરપકડ કરી છે, જ્યારે ફરાર રાહુલ દેવીપુજકને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે. ટંકારા પોલીસે આ મામલે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









