પરીક્ષા આપનાર તમામ 39 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા ખુશીનો માહોલ: શાળાના પ્રમુખ અને ટ્રસ્ટીઓ દ્વારા અભિનંદન પાઠવાયા
મોરબી: મોરબી જિલ્લાના બરવાળા ખાતે આવેલી રાજેન્દ્ર કેળવણી ઉત્તેજક ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી ભગવતી વિદ્યાલયે ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. શાળાનું પરિણામ સતત બીજા વર્ષે 100 % આવ્યું છે, જે ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણના ઉચ્ચ સ્તરની સાબિતી આપે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સરસ્વતી ભગવતી વિદ્યાલયમાંથી ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 39 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ તમામ 39 વિદ્યાર્થીઓ ઝળહળતી સફળતા સાથે પાસ થયા છે. સતત બીજા વર્ષે 100 % પરિણામ આવતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.
આ ભવ્ય સફળતા માટે શાળા સંચાલક મંડળના પ્રમુખ જયંતિભાઈ જેરાજભાઈ પટેલ અને અન્ય ટ્રસ્ટી સભ્યો દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ અને જહેમત ઉઠાવનાર સ્ટાફ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જેરાજભાઈ કરમશીભાઈ શેરશીયા દ્વારા સ્થાપિત આ શાળા છેલ્લા 57 વર્ષથી ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે અવિરત સેવા આપી રહી છે. શાળામાં શૈક્ષણિક સફળતા માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીની કમલાબેન ઠાકરશીભાઈ માકાસણા (હાલ અમેરિકા) દ્વારા અને સહઅભ્યાસ પ્રવૃત્તિ માટે પ્રમુખ જયંતિભાઈ જેરાજભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને સારા ઇનામો આપીને સતત પ્રોત્સાહિત કરવામાં આવે છે.









