મોરબી : મોરબીમાં વર્ષ 2013 થી કાર્યરત અને 500 જેટલા સભ્યો ધરાવતા સામાજિક સંગઠન “ક્રાંતિકારી સેના”ના નામ અને લોગાના ગેરકાયદેસર ઉપયોગ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. સંગઠનના સભ્ય યોગેશભાઈ રમેશભાઈ ગાંભવા દ્વારા પોલીસમાં આ અંગેની અરજી આપવામાં આવી છે. ક્રાંતિકારી સેના મુખ્યત્વે સામાજિક અને અબોલ જીવોની સેવા માટે કાર્ય કરે છે અને તેનું કોઈ રાજકીય પક્ષ સાથે જોડાણ નથી.
વડોદરાના શખ્સ સામે નોંધાઈ ફરિયાદ
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, વડોદરાના રહેવાસી શ્રેય મહેન્દ્રભાઈ પટેલે ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ક્રાંતિકારી સેનાનું નામ, રજિસ્ટર્ડ લોગો અને પોસ્ટરોનો ગેરવપરાશ કર્યો હતો. આ કૃત્યથી સામાન્ય નાગરિકોમાં ખોટો ભ્રમ ઊભો કરીને સંગઠનની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયામાં “માસ્કમેન” તરીકે ઓળખ આપી લાભ ખાટવાનો કારસો
આ શખ્સ પર એવો પણ આક્ષેપ છે કે તેણે સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો પોસ્ટ કરીને પોતાની જાતને “માસ્કમેન” તરીકે પ્રોજેક્ટ કરી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય અંગત રાજકીય અને આર્થિક લાભ મેળવવાનો હતો. આરોપીની આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે ક્રાંતિકારી સેનાની બિનરાજકીય અને સેવાભાવી છબીને મોટું નુકસાન થયું હોવાનો ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.









