મોરબી તાલુકાના મધુપુર ગામમાં સામાજિક એકતા અને સેવા ભાવનાનું અનોખું ઉદાહરણ જોવા મળી રહ્યું છે. ગામમાં વિવિધ સમાજના લોકો એક પરિવારની જેમ રહે છે અને સામાજિક સુમેળ જાળવી રાખે છે. મધુપુર ગામમાં ક્ષત્રિય, કોળી, બ્રાહ્મણ, દેવીપૂજક તેમજ મુસ્લિમ સહિતના તમામ સમાજના લોકો એકસાથે સુખદ સહઅસ્તિત્વ સાથે રહે છે. “અઢારે વર્ણ એક પરિવાર”ના સૂત્રને સાકાર કરતાં આ ગામ સામાજિક એકતાનું પ્રતિક બની રહ્યું છે.
આ ગામ સાથે લાગણીપૂર્વક જોડાયેલા જયદેવસિંહ જાડેજા દ્વારા એક સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી છે. તેઓ મધુપુર ગામની કોઈપણ સમાજની દીકરીના લગ્ન પ્રસંગે કરિયાવર સ્વરૂપે રૂ. 11,000ની સહાય આપે છે. આ સેવા કાર્ય દ્વારા તેઓ દરેક સમાજની દીકરીને પોતાના પરિવારની સભ્ય સમજીને સહાયરૂપ બની રહ્યા છે. તેમની આ પહેલથી ગામમાં એકતા, સહકાર અને સામાજિક સમરસતાનો મજબૂત સંદેશ ફેલાઈ રહ્યો છે. સ્થાનિક લોકો તેમના આ કાર્યને ખુબજ વખાણે છે અને તેને પ્રેરણાદાયી ગણાવી રહ્યા છે.
મધુપુર ગામમાં આ પ્રકારની પ્રવૃત્તિઓના કારણે સમાજમાં ભાઈચારો વધે છે અને ગામ વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે.









