ત્રણ વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવી વિદ્યાર્થીઓએ વધાર્યું હળવદનું ગૌરવ
ગુજરાત એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થતાં હળવદની વિવેકાનંદ વિદ્યાલયે ફરી એકવાર પોતાના ઉત્તમ પરિણામથી શૈક્ષણિક ક્ષેત્રે અનોખી ઓળખ ઉભી કરી છે. બોર્ડનું કુલ પરિણામ 83.86 ટકા નોંધાયું છે, જ્યારે મોરબી જિલ્લાનું 89.13 ટકા અને હળવદ તાલુકાનું 91.02 ટકા પરિણામ નોંધાયું છે.
વિવેકાનંદ વિદ્યાલયે આ વર્ષે પણ પોતાની ગુણવત્તા જાળવી રાખી છે. શાળાના કુલ 9 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જ્યારે 12 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી સરાહનીય સફળતા મેળવી છે.
વિદ્યાલયના વિરગામા વિશ્વાસ મહેન્દ્રભાઈએ 99.77 પીઆર સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમણે વિજ્ઞાન, સમાજ અને સંસ્કૃત વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. ઉપરાંત કણઝરીયા સોહમ ભરતભાઈએ 99.28 પીઆર સાથે સમાજ અને સંસ્કૃત વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
ખાસ વાત એ છે કે, વિવેકાનંદ વિદ્યાલય ફુલ-ડેના બદલે હાફ-ડે પદ્ધતિથી માત્ર પાંચ કલાક અભ્યાસ કરાવીને પણ સતત ઉત્તમ પરિણામ આપી રહી છે, જે તેની શિક્ષણ પદ્ધતિની અસરકારકતા દર્શાવે છે.
આ સફળતા બદલ શાળા પરિવાર, શિક્ષકો અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, તેમજ સમગ્ર હળવદ વિસ્તારમાં ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે. તમામ વિદ્યાર્થીઓને વિવેકાનંદ વિદ્યાલયના એમડી રાહુલ સર તથા રુક્ષાના મેમ શુભેચ્છા પાઠવી જીવનમાં ઉતરોતર પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
મયુર રાવલ હળવદ











