હળવદ તાલુકામાં નાબાલિક બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર આરોપીને મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા કડક સજા ફટકારવામાં આવી છે. કોર્ટે આરોપીને 20 વર્ષની સખ્ત કેદ તેમજ દંડની સજા સંભળાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, 9 વર્ષના સગીર બાળકને આરોપીએ કપડા અને બુટ આપવાની લાલચ આપીને બાઈકમાં બેસાડ્યો હતો અને એકાંત જગ્યાએ લઈ જઈ તેની સાથે દુષ્કૃત્ય કર્યું હતું. આ બનાવ અંગે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી અક્ષય રમેશભાઈ દેગામા (રહે. ચીખલી, તા. માળિયા)ની ધરપકડ કરી હતી.
આ કેસ મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી રહ્યો હતો, જેમાં જિલ્લાના મદદનીસ સરકારી વકીલ એન.ડી. કારીઆ દ્વારા મજબૂત દલીલો અને 12 મૌખિક તેમજ 29 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. પુરાવાઓના આધારે એડીશનલ સેશન્સ જજશ્રીએ આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષની સખ્ત કેદ અને રૂપિયા 4,000નો દંડ ફટકાર્યો છે.
તદુપરાંત, વિક્ટિમ કંપન્સેશન સ્કીમ હેઠળ પીડિતને રૂપિયા 4 લાખનું વળતર ચૂકવવાનો પણ કોર્ટે આદેશ આપ્યો છે. આરોપી દ્વારા દંડની રકમ ભરપાઈ ન કરવામાં આવે તો તે રકમ પણ વળતર સાથે વસૂલ કરવામાં આવશે.
આ ચુકાદાને કારણે પીડિત પરિવારને ન્યાય મળ્યો હોવાની લાગણી વ્યક્ત કરવામાં આવી છે.
મયુર રાવલ હળવદ









