વાંકાનેર: મોરબી જિલ્લામાં પ્રોહીબીશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે હાલમાં ચાલી રહેલી પ્રોહી ડ્રાઇવ અંતર્ગત વાંકાનેર તાલુકા પોલીસ ટીમને મોટી સફળતા મળી છે. વાંકાનેર તાલુકાના ખીજડીયા રાજ ગામની સીમમાં વાડીની ઓરડીમાંથી પોલીસે દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો અને દેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ રેન્જ આઈ.જી.પી. નિર્લિપ્ત રાય, મોરબી પોલીસ અધિક્ષક એમ.એન. પટેલ તથા વાંકાનેર વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલ દ્વારા દારૂ-જુગારની પ્રવૃત્તિઓ બંધ કરવા અપાયેલી સૂચના અન્વયે વાંકાનેર તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. આ દરમિયાન ખાનગી રાહે મળેલી ચોક્કસ બાતમીના આધારે ખીજડીયા રાજ ગામની ‘કણકોટીયુ’ તરીકે ઓળખાતી સીમમાં આવેલ એક આરોપીની કબજા ભોગવટા વાળી વાડીની પતરાની ઓરડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
પોલીસે ઘટનાસ્થળેથી દેશી દારૂ બનાવવાનો 2500 લીટર ઠંડો આથો (કિંમત રૂપિયા 62,500) તથા 70 લીટર તૈયાર દેશી દારૂ (કિંમત રૂપિયા 14,000) મળી કુલ રૂપિયા 76,500 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પર જ 2500 લીટર ઠંડા આથાનો નાશ કર્યો હતો અને આરોપી નિલેશભાઈ રવજીભાઈ સોલંકી (રહે. ખીજડીયા રાજ, તા. વાંકાનેર, જી. મોરબી) વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.











