જામનગરના ગણેશવાસ ફુલીયા હનુમાન મંદિર પાસે રહેતા અને સામાજિક કાર્યકર તરીકે કાર્યરત ચેતનકુમાર ભાંભીએ સોશિયલ મીડિયામાં ડો. બાબા સાહેબ આંબેડકરજી અંગે કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે એસ.પી. કચેરી અને એસી/એસટી સેલમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, ચેતનકુમાર ભાંભી દ્વારા ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર કરવામાં આવેલી એક પોસ્ટ પર અમુક જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો દ્વારા ભારતના બંધારણ ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરજી અંગે અપમાનજનક અને અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. ઉપરાંત ખંભાળિયાની આંબેડકરવાદી મહિલા મંજુબેન વિરુદ્ધ પણ સોશિયલ મીડિયામાં ગાળો અને અશોભનીય ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આ પ્રકારની પ્રવૃત્તિ Information Technology Act, 2000 ની કલમ 67, Scheduled Castes and Scheduled Tribes (Prevention of Atrocities) Act, 1989 તેમજ BNS કલમ 75 હેઠળ ગુનાહિત કૃત્ય બને છે. આથી ફરિયાદીએ સોશિયલ મીડિયામાં અભદ્ર અને અપમાનજનક ટિપ્પણીઓ કરનાર તમામ વ્યક્તિઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કરવાની માંગ ઉઠાવી છે.











