મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે માળિયા મિયાણા તાલુકાના મોટા દહિસરા ગામની સીમમાં રેઇડ પાડીને જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા છ પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૧,૧૩,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે રેઇડ દરમિયાન નાસી છૂટેલા અન્ય ત્રણ શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી વિગત મુજબ, પેરોલ ફર્લો સ્કવોડ મોરબીની ટીમે મોટા દહિસરા ગામની કોબા પાટી સીમમાં બુઢીયારી મેલડી માતાજીના મંદિર પાસે ખરાબામાં વોકળા કાંઠે જુગારધામ પર ત્રાટકી હતી. જ્યાં જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હાર-જીતનો જુગાર રમતા અમીત જેરામભાઇ અધારા, નગીન છગનભાઇ કૈલા, વિવેક વિનોદભાઇ ગૌસ્વામી, માનસીંગ દેવાભાઇ સોમાણી, હસમુખ ઉર્ફે અશોક વાલજીભાઇ રાઠોડ અને રમેશ મગનભાઇ સરડવા નામના છ આરોપીઓ ઝડપાઈ ગયા હતા. પોલીસે તેમની પાસેથી ગંજીપતાના પાના, રોકડા રૂપિયા ૧,૦૩,૦૦૦ તથા રૂ. ૧૦,૫૦૦ ની કિંમતના ૩ નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૧,૧૩,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ રેઇડ દરમિયાન શક્તિ કોળી (રહે. ધનાળા, હળવદ), અનીરૂધ્ધસિંહ જાડેજા (રહે. મોટા દહિસરા) અને ચિરાગ રાધવજીભાઇ સરડવા (રહે. સરવડ) નામના ત્રણ આરોપીઓ નાસી છૂટ્યા હતા. આ બનાવ અંગે માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.










