મોરબી જિલ્લાના ટંકારામાં પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની વણઝાર જોવા મળી રહી છે. ત્યારે ટંકારાના લક્ષ્મીનારાયણ ગોપી મંડળ દ્વારા પુરુષોત્તમ માસના પવિત્ર અવસરે વિશેષ કાન-ગોપી ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ ભક્તિમય કાર્યક્રમમાં ગોપી મંડળની બહેનોએ ચણિયાચોળી અને વિવિધ પારંપરિક વસ્ત્રો તેમજ આભૂષણો ધારણ કરીને ઉત્સાહભેર ભાગ લીધો હતો. બહેનોએ માથે બેડા મૂકીને રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી અને કૃષ્ણ ભક્તિમાં લીન જોવા મળી હતી. આ ઉત્સવમાં નાના ભૂલકાઓને પણ ભગવાન શ્રીકૃષ્ણ (કાનૂડા) ના બાળ સ્વરૂપના સુંદર પહેરવેશમાં શણગારવામાં આવ્યા હતા.
રાસ-ગરબા બાદ ગોપી મંડળની તમામ બહેનોએ એકસાથે વર્તુળાકાર ઉભા રહીને થાળ સજાવી ભગવાનની ભક્તિભાવ પૂર્વક સમૂહ આરતી ઉતારી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને ભક્તિમય વાતાવરણમાં ભગવાનની આરાધના કરી ધન્યતા અનુભવી હતી.











