ટંકારા તાલુકાના રોહીશાળા ગામે તસ્કરોએ ખેતરોને નિશાન બનાવ્યા હોવાની ઘટના સામે આવી છે. રોહીશાળા ગામના વિરવાવ રોડ પર આવેલા ખેતરોમાં ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને ખેતરમાં રહેલા કૂવામાંથી મોટરના કેબલ વાયરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, રોહીશાળા ગામના વિરવાવ રોડ ઉપર આવેલા ખેતરોમાં ગત રાત્રે કેબલ ચોરીનો બનાવ બન્યો છે. આ ચોરીના બનાવમાં શાંતિલાલ ટાંક, મનસુખભાઈ ચોટલિયા અને દેવશીભાઈ સવસાણી સહિતના અંદાજે ડઝનેક જેટલા ખેડૂતોના ખેતરમાં રહેલા કૂવામાંથી કેબલ ચોરાઈ ગયા હોવાનું માલુમ પડ્યું છે. એકસાથે અનેક ખેતરોમાંથી કેબલ વાયરની ચોરી થતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. રાત્રિના સમયે ખેતરોમાં સુરક્ષાના અભાવે તસ્કરો બેફામ બન્યા છે અને ખેડૂતોના સાધનોને નિશાન બનાવી રહ્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસ દ્વારા સત્વરે આ તસ્કરોને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.











