ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે જમીન માપણીના વિવાદને લઈને થયેલા ડબલ મર્ડર કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. તાલુકા ભાજપના ઉપપ્રમુખ જયપાલસિંહ ઝાલા અને તેમના ભત્રીજા હર્ષવર્ધનસિંહ ઝાલાની હત્યાના બનાવમાં પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મેઘપર ઝાલા ગામે દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલાની વાડી નજીક આ ઘટના બની હતી. જમીન માપણી માટે સરકારી કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. માપણી પૂર્ણ થયા બાદ મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલાને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન જમીન માપણીને લઈને બંને પક્ષો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં આરોપીઓએ જયપાલસિંહ પ્રતાપસિંહ ઝાલા (ઉ.વ. 40) અને હર્ષવર્ધનસિંહ દિગ્વિજયસિંહ ઝાલા (ઉ.વ. 22) પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. હુમલામાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બાદમાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
બનાવ અંગે મૃતક હર્ષવર્ધનસિંહના પિતા દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલાએ ટંકારા તાલુકા પોલીસ મથકે મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પીઆઈ જે.ડી. ઝાલા અને તેમની ટીમે તપાસ હાથ ધરી બંને આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો તથા બાઈક જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે મૃતક જયપાલસિંહ ઝાલા ટંકારા તાલુકા ભાજપના ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવતા હતા. ડબલ મર્ડરની ઘટનાને પગલે મેઘપર ઝાલા ગામમાં તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ પર નજર રાખી છે.












