મોરબીના ઘૂંટુ રોડ પર આવેલા હરિ ઓમ પાર્ક સ્થિત ભગવતધામ આશ્રમ સ્વામિનારાયણ મંદિર ખાતે ભાગવત જ્ઞાન યજ્ઞ પ્રસંગે વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે રાત્રિના સમયે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં 35 રક્તદાતાઓએ રક્તદાન કરીને ધર્મની સાથે માનવસેવાનું ઉત્તમ કાર્ય કર્યું છે.
આ બ્લડ કેમ્પને સફળ બનાવવામાં ભગવત ધામ આશ્રમના પ્રેરક પૂર્ણ પ્રકાશદાસજી સ્વામી, આત્મપ્રકાશદાસજી સ્વામી અને તમામ યુવાન હરિભક્તો, ભાઇઓ તથા બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના પ્રેરક પ્રેમસ્વામી અને એમ.ડી. રમેશભાઈ માકાસણાએ સંતો, હરિભક્તો અને તમામ રક્તદાતાઓનો વિશેષ આભાર માન્યો હતો. ગરમીના સમયમાં જ્યારે બ્લડની ખૂબ જ અછત વર્તાતી હોય છે, ત્યારે સંતો અને હરિભક્તોએ રાત્રિના સમયે આ કેમ્પનું આયોજન કરીને સમાજને એક ઉમદા સંદેશ આપ્યો છે.











