Thursday, June 18, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદ:સિંચાઈ તંત્રની બેદરકારી સામે ખેડૂતોનો રોષ: ધૂળકોટ-મયુરનગર વિસ્તારમાં ખેડૂતો સ્વખર્ચે કેનાલ સાફ...

હળવદ:સિંચાઈ તંત્રની બેદરકારી સામે ખેડૂતોનો રોષ: ધૂળકોટ-મયુરનગર વિસ્તારમાં ખેડૂતો સ્વખર્ચે કેનાલ સાફ કરવા મજબૂર

બે દિવસમાં પાણી છોડવાની તૈયારી છતાં માઇનોર કેનાલ ગંદકીથી ખદબદતી; બ્રાહ્મણી ડેમ-2ની જાળવણી વ્યવસ્થાની પોલ ખુલ્લી

હળવદ તાલુકાના ધૂળકોટ, મયુરનગર સહિતના ગામોની સીમમાંથી પસાર થતી બ્રાહ્મણી ડેમ-2ની માઇનોર કેનાલની જાળવણીમાં ગંભીર બેદરકારી સામે આવતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. આગામી બે દિવસમાં સિંચાઈ માટે પાણી છોડવાનું આયોજન હોવા છતાં કેનાલની સફાઈ ન થતાં ખેડૂતો જાતે જ મેદાનમાં ઉતરી કેનાલ સાફ કરવાની ફરજ પડી છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ કેનાલમાં ઘાસ, ઝાંખરા અને કચરાનો ભરાવો થતાં પાણીનો પ્રવાહ અવરોધાય તેવી સ્થિતિ સર્જાઈ છે. સમયસર સફાઈ ન કરવામાં આવે તો સિંચાઈ પ્રભાવિત થવાની અને ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ ઉભી થઈ છે. અનેક રજૂઆતો છતાં જવાબદાર વિભાગ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી ન કરવામાં આવતા ખેડૂતોને સ્વખર્ચે અને સ્વશ્રમે કેનાલ સફાઈ હાથ ધરવી પડી છે.

ખેડૂતોમાં એવી લાગણી જોવા મળી રહી છે કે જે કામગીરી સરકાર અને સંબંધિત સિંચાઈ વિભાગે કરવાની હોય તે કામ હવે ખેડૂતોના માથે આવી પડ્યું છે. કરદાતાના નાણાં ખર્ચાયા હોવા છતાં જાળવણીના અભાવે ખેડૂતોને મજૂરી કરવી પડે તે સ્થિતિ તંત્રની નિષ્ફળતા દર્શાવે છે.

ખેડૂતોનું કહેવું છે કે સિંચાઈ માટે પાણી છોડવાની જાહેરાત તો કરવામાં આવે છે, પરંતુ કેનાલોની જાળવણી અને સફાઈ અંગે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. પરિણામે ખેડૂતોને પોતાનો સમય અને નાણાં ખર્ચીને કેનાલો કાર્યક્ષમ બનાવવી પડે છે.

આ સમગ્ર ઘટનાએ સિંચાઈ વ્યવસ્થાની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે. ખેડૂતોમાં માંગ ઉઠી છે કે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે અને આગામી સમયમાં સમયસર કેનાલોની સફાઈ તથા જાળવણી સુનિશ્ચિત કરવામાં આવે, જેથી ખેડૂતોને આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે.

મયુર રાવલ હળવદ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments