મોરબી: જેતપર પંથકમાં વીજ પોલ વળતર સહિતના પડતર પ્રશ્નો મુદ્દે ખેડૂતો દ્વારા ચલાવવામાં આવી રહેલું આંદોલન હવે જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ઉપવાસ છાવણી ખાતે ખેડૂતોના આંદોલનનો આજે 15મો દિવસ છે, ત્યારે આ ન્યાયિક લડતને સમાજના વિવિધ વર્ગો અને વ્યાપારી મંડળો તરફથી વ્યાપક સમર્થન મળી રહ્યું છે. આ કડીમાં હવે મોરબીનું એક મહત્વનું વ્યાવસાયિક સંગઠન પણ ખેડૂતોની વહારે આવ્યું છે.
મોરબી ફોટોગ્રાફર અને વિડિયોગ્રાફર એસોસિએશન દ્વારા જેતપર ગામ ખેડૂત આંદોલનને સત્તાવાર રીતે પોતાનું સંપૂર્ણ સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યોએ અન્નદાતાની આ લડતને વાજબી ગણાવીને તેમની સાથે ખભેથી ખભો મિલાવીને ઊભા રહેવાની જાહેરાત કરી છે.
એસોસિએશન દ્વારા “એકતા અમારી ઓળખ… ખેડૂત અમારી શક્તિ…” ના સૂત્ર સાથે ખેડૂતોના સમર્થનમાં અવાજ બુલંદ કરવામાં આવ્યો છે. છેલ્લા 15 દિવસથી પોતાની ન્યાયિક માંગણીઓ માટે મક્કમતાપૂર્વક લડી રહેલા ખેડૂતોને આ પ્રકારે વિવિધ સંગઠનોનો સહકાર મળતા આંદોલનકારીઓનો ઉત્સાહ બમણો થયો છે. મોરબીના અગ્રણી વ્યાવસાયિક મંડળો પણ ખેડૂતોની પડખે ઊભા રહેતા આ લડત આગામી દિવસોમાં વધુ વ્યાપક બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે











