માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર હિતેશ આદ્રોજાની કડક કાર્યવાહી: કોન્ટ્રાક્ટરે પોતાના ખર્ચે જ નવો પિયર બનાવવો પડશે
મોરબી: મોરબીમાં નટરાજ ફાટક પર બની રહેલા LC-31 રેલવે ઓવરબ્રિજ (ROB)ના કામમાં બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું છે. આ બાબત ધ્યાને આવતા બાંધકામમાં ગુણવત્તા અને સલામતીના ધોરણોનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
બ્રિજના બાંધકામની નિયમિત તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, એક પિલરની એક લિફ્ટ નિર્ધારિત સામર્થ્ય (strength) ના ધોરણો મુજબ નથી. જાહેર સલામતી અને બાંધકામની ગુણવત્તાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને માર્ગ અને મકાન વિભાગએ કોન્ટ્રાક્ટરને આ પિલર સંપૂર્ણપણે તોડી પાડવાનો તાત્કાલિક આદેશ આપ્યો છે. આ સાથે જ મંજૂર ડિઝાઇન અને ટેક્નિકલ સ્પેસિફિકેશન મુજબ સ્વખર્ચે નવો પિયર બનાવવા તાકીદ કરાઈ છે.
વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, બાંધકામની દરેક કામગીરીની નિયમિત તકનિકી તપાસ કરવામાં આવે છે. આગામી સમયમાં પણ ગુણવત્તામાં કોઈ પણ પ્રકારની ખામી જણાશે તો આવી જ કડક સુધારાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને ગુણવત્તા બાબતે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે માર્ગ અને મકાન વિભાગના આદેશ અનુસાર હાલ અહીં પિયર તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.










