મોરબી: શ્રાવણ માસ દરમિયાન જુગારની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે સરહદી બોર્ડર રેન્જ ભુજના મહાનિરીક્ષક ચિરાગ કોરડીયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા વિશેષ અભિયાન અંતર્ગત મોરબીના ઘુટુ રોડ પર આવેલી રાધે કોલ એન્ટરપ્રાઈઝની ઓફિસમાં ક્રાઈમ-2 બોર્ડર રેન્જ ભુજની ટીમે દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ સહિત કુલ રૂ. 5.24 લાખનો મુદ્દામાલ કબજે કરીને તમામ સામે મોરબી તાલુકા પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધાવ્યો છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, સરહદી બોર્ડર રેન્જ ભુજના મહાનિરીક્ષક ચિરાગ કોરડીયાની સૂચના અનુસાર શ્રાવણ માસ દરમિયાન જુગારની પ્રવૃત્તિઓ અટકાવવા માટે વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. જેના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર (ક્રાઈમ-2) એલ.પી. બોડાણાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ-2 બોર્ડર રેન્જ ભુજની ટીમ મોરબી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ખાનગી બાતમીના આધારે ઘુટુ રોડ પર રાધે કોલ એન્ટરપ્રાઈઝની ઓફિસમાં જુગાર રમાતો હોવાની માહિતી મળતા પંચોની હાજરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસે જગદીશભાઈ ભગવાનજીભાઈ અઘારા (રહે. રિલાયન્સનગર, રવાપર રોડ, મોરબી), શૈલેષભાઈ ઉર્ફે કાળુભાઈ પ્રભુભાઈ શનારિયા (રહે. રફાળેશ્વર ગામ), યોગેશભાઈ લક્ષ્મણભાઈ પટેલ (રહે. મિલાપનગર, અવની ચોકડી, મોરબી) તથા જયેશભાઈ શાંતિભાઈ કાલરીયા (રહે. મિલાપનગર, અવની ચોકડી, મોરબી)ને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલાઓમાં કોંગ્રેસ આગેવાન જયેશભાઈ કાલરીયા તથા આમ આદમી પાર્ટીના પૂર્વ ઉમેદવાર જગદીશભાઈ અઘારાનો પણ સમાવેશ થાય છે.
પોલીસે સ્થળ પરથી રૂ. 1,85,300ની રોકડ, ચાર મોબાઇલ ફોન, બે વાહનો તેમજ ગંજીપાનાં પત્તાં સહિત કુલ રૂ. 5,24,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સમગ્ર મામલે ચારેય આરોપીઓ સામે ગુજરાત જુગારધારા કલમ-4 અને 5 મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.પી. વાઘેલા, એએસઆઈ રસીકભાઈ મનસુખભાઈ પટેલ, હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ ચંદ્રસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ ભાવુભા જાડેજા તથા મોહિતભાઈ કલ્યાણજીભાઈ ચાવડાએ સફળતાપૂર્વક પાર પાડી હતી.










