મોરબી ડેઈલી:મોરબી જમીન વિકાસ બેંક (ખેતી વિકાસ બેંક)માં પ્રતિનિધિ ડિરેક્ટર તરીકે કે.પી.ભાગીયા બિનહરીફ વિજેતા જાહેર થયા છે. તેમની આ વરણીને સહકારી ક્ષેત્રના આગેવાનો અને મોરબી-ટંકારા તાલુકાના 18 વર્ણના ખેતી સાથે સંકળાયેલા ખેડૂતભાઈઓ દ્વારા ઉમળકાભેર આવકારીને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.
“જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો” ની ભાવના સાથે કે.એ. ભાગીયા મોરબીના હરિહર અન્નક્ષેત્રમાં સ્થાપના સમયથી સળંગ 31 વર્ષથી જોઈન્ટ સંચાલક તરીકે અવિરત સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત તેઓ મોરબીના નજરાણા અને આન-બાન-શાન સમાન રામમંદિર (દરબારગઢ, મોરબી) જીર્ણોદ્ધાર સમિતિમાં મંત્રી તરીકે પણ કાર્યરત છે.
તેઓ ટંકારાના સરદાર પટેલ પાટીદાર સમાજના સ્થાપક પ્રમુખ, મોરબી નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન અને મોરબી માર્કેટિંગ યાર્ડના પૂર્વ ડિરેક્ટર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. આવી અનેકવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા કે.પી.ભાગીયાની ખેતી વિકાસ બેંકમાં બિનહરીફ ડિરેક્ટર તરીકે વરણી થતા ખુશીનો માહોલ છે.
સહકારી ક્ષેત્રના કામકાજનો તેમનો 4 દાયકાનો બહોળો અનુભવ છે. તેમની કાર્યનિષ્ઠા અને સહકારી ક્ષેત્રમાં તેમના અમૂલ્ય યોગદાનને ધ્યાનમાં રાખીને, તેમની આ નિમણૂંકથી બેંકની કામગીરીને વધુ ગતિ અને વેગ મળશે તેવી આશા ખેડૂત ભાઈઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમની આ નવી જવાબદારીઓ માટે તેમને ચારેકોરથી હાર્દિક શુભેચ્છાઓ મળી રહી છે.










