મોરબી શહેરમાં વિકાસની વાતો વચ્ચે અનેક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. મોરબીના લખધીરવાસ વાંકાનેર દરવાજા પાસે આવેલ ભગવતી ધૂન ભંજન મંડળની સામેની શેરીમાં છેલ્લા ઘણા સમયથી ખુલ્લી ગટરમાં ગંદુ પાણી ભરાઈ રહેવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે, જેનાથી સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
આ વિસ્તારમાં રહેતા સ્થાનિક પિયુષભાઈ હિંમતલાલ વાઢારાએ આ સમસ્યાના કાયમી નિકાલ માટે મોરબી મહાનગરપાલિકામાં અરજી કરી છે. તેમણે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, છેલ્લાં 6 મહિનાથી આ ગટરમાંથી ગંદકી કાઢવા કે સફાઈ કરવા માટે તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. પરિણામે, તેમના મકાન પાસેથી પસાર થતી ગટરનું પાણી આગળ જતું નથી અને ભરાઈ રહે છે. આ ઘોર બેદરકારીના કારણે વિસ્તારમાં મચ્છરોનો ભારે ઉપદ્રવ વધી ગયો છે.
અરજદારે આશંકા વ્યક્ત કાફી છે કે ગટરના ઉપરના ભાગમાં કોઈએ લાંબુ ભૂંગળું (પાઇપ) મૂકીને ગટર બંધ કરી દીધી છે. આથી, તેમણે તંત્રને અપીલ કરી છે કે જો આવું હોય તો તે પાઇપ હટાવી લેવામાં આવે. વર્ષો જૂની આ ગટરમાંથી નીકળતું ગંદુ પાણી હવે તેમના ફળિયામાં પણ ઘૂસી જાય છે અને તેનો કોઈ નિકાલ થતો નથી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેમના મકાનમાં કુળદેવી શ્રી રવેચી માં નો મઢ આવેલો છે. જ્યારે નિવેદ વગેરે ધાર્મિક પ્રસંગો હોય ત્યારે ગંદા પાણીને કારણે ખૂબ જ મુશ્કેલી પડે છે. તેથી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે.











