મોરબી: દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન તા. 2 ઓક્ટોબર, 2026ના રોજ વ્યાસ જ્ઞાતિની વાડી ખાતે કરવામાં આવ્યું હતું. સમારોહમાં ધોરણ 8થી 12 તેમજ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમમાં 60 ટકાથી વધુ ગુણ મેળવનાર જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ બદલ શિલ્ડ, પ્રમાણપત્ર, પાણીની બોટલ, ફોલ્ડર ફાઇલ, પેન બોક્સ, કંપાસ બોક્સ સહિતની ભેટ આપવામાં આવી હતી. સાથે જ પેંડા આપી મોઢું મીઠું કરાવી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મોરબીના મેયર ઉત્તમભાઈ સુરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા સહિત જ્ઞાતિના આગેવાનો અને અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી અભ્યાસમાં સતત પ્રગતિ કરતા રહેવા તથા સમાજ અને પરિવારનું નામ રોશન કરવા પ્રેરણા આપી હતી. વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધે, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને નવી પેઢી ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધે તેવા હેતુ સાથે દર વર્ષે આ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના કારોબારી સભ્યો તેમજ યુવા ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને જ્ઞાતિજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.












