14 વર્ષ જૂના અપહરણ કેસનો ભેદ ઉકેલાયો: બાંસવાડાના જંગલ વિસ્તારમાંથી ભોગ બનનાર અને ત્રણ સંતાનોને છોડાવ્યા
અમરેલી એએચટીયુની ટીમની કામગીરી: અગાઉ હળવદના અંતરિયાળ વિસ્તારમાંથી 13 જૂના અન્ય કેસમાં ભોગ બનનાર મહિલા અને ચાર સંતાનોને પણ છોડાવ્યા હતા
મોરબી ડેઈલી : અમરેલીમાં વર્ષો પહેલાં સગીર વયે અપહરણનો ભોગ બનેલી બાળકીના ગુમ થવાના વણઉકેલાયેલા કેસમાં અમરેલી જિલ્લા પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (એએચટીયુ)ને સફળતા મળી છે. બગસરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2013માં નોંધાયેલા કેસમાં 14 વર્ષથી વધુ સમયથી અજાણ્યા આરોપીની ઓળખ કરીને તેને રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદ નજીક રાજસ્થાનના બાંસવાડા વિસ્તારના ડુંગરાળ અને જંગલ વિસ્તારમાંથી શોધી કાઢવામાં આવ્યો હતો. પોલીસની કાર્યવાહી દરમિયાન ભોગ બનનાર મહિલા અને તેમના ત્રણ સંતાનોને છોડાવવામાં આવ્યા હતા.
આ કેસ બગસરા પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર હેઠળ ભારતીય દંડ સંહિતાની કલમ 363, 366 તથા પોક્સો કાયદાની કલમ 18 મુજબ નોંધાયો હતો. તે સમયે સગીર વયની બાળકીનું અજાણ્યા ખેતમજૂર દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરાઈ હતી. જોકે, લાંબા સમય સુધી આરોપીની ઓળખ થઈ શકી ન હોવાથી કેસ વણઉકેલાયેલો રહ્યો હતો.
અમરેલી એએચટીયુના પોલીસ ઇન્સ્પેક્ટર વી.પી. ગોલના માર્ગદર્શન હેઠળ એએસઆઈ પ્રકાશભાઈ ટાપાણીયા અને મહિલા કોન્સ્ટેબલ નીતાબેન અરવિંદભાઈ કુંડલીયાની ટીમે તપાસને આગળ ધપાવી હતી. અંતે બગસરાથી આશરે 600 કિલોમીટર દૂર બાંસવાડાના દુર્ગમ ડુંગરાળ અને જંગલ વિસ્તારમાં આરોપીની ઓળખ કરીને ભોગ બનનાર મહિલા અને તેમના ત્રણ સંતાનોને છોડાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
હળવદમાંથી પણ 13 વર્ષ જૂના કેસમાં સફળતા
નોંધનીય છે કે આ જ ટીમે આશરે ત્રણ મહિના અગાઉ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2014માં નોંધાયેલા અન્ય એક અપહરણના કેસમાં પણ સફળતા મેળવી હતી. ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 13/2014 હેઠળ ભારતીય દંડ સંહિતાની કલમ 363, 366 અને પોક્સો કાયદાની કલમ 18 મુજબ નોંધાયેલા આ કેસમાં પણ સગીર વયની બાળકીના અપહરણ બાદ આરોપીની ઓળખ થઈ શકી નહોતી. 13 વર્ષથી વધુ સમયથી વણઉકેલાયેલા આ કેસમાં તપાસ દરમિયાન આરોપીની ઓળખ મોરબી જિલ્લાના હળવદના અંતરિયાળ વિસ્તારમાંથી કરવામાં આવી હતી. પોલીસની કાર્યવાહી દરમિયાન ભોગ બનનાર મહિલા અને તેમના ચાર સંતાનોને છોડાવવામાં આવ્યા હતા.
અનેક અધિકારીઓની તપાસ બાદ બંને કેસમાં સફળતા
બંને કેસની વિશેષતા એ છે કે સમયાંતરે આશરે 16થી 17 પોલીસ ઇન્સ્પેક્ટરોએ તેની તપાસ કરી હતી. લાંબા સમયથી વણઉકેલાયેલા અને સંવેદનશીલ એવા આ કેસોમાં અગાઉના તપાસ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી તપાસ તથા ત્યારબાદ હાથ ધરાયેલી કામગીરીના આધારે સફળતા મળી હોવાનું સામે આવ્યું છે. અમરેલી એએચટીયુ, અમરેલી જિલ્લા પોલીસ અને સીઆઈડી ક્રાઈમ માટે આ બંને કેસમાં મળેલી સફળતા મહત્ત્વપૂર્ણ છે. વર્ષો જૂના કેસોમાં પણ તપાસની કડીને જીવંત રાખીને ભોગ બનનાર સુધી પહોંચવાનો પ્રયાસ પોલીસની સતત તપાસ અને જવાબદારીનું મહત્ત્વ દર્શાવે છે.










