મોરબી ડેઈલી : મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ‘કમલમ’ ખાતે શુક્રવારે ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોનું ભવ્ય સ્વાગત અને પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સંગઠનાત્મક પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા અને કાર્યકર્તાઓ વચ્ચે સંકલન મજબૂત કરવાના હેતુથી આ બેઠક યોજાઈ હતી
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત સહ સંગઠન મહામંત્રી અરુન બિન્નાડીજી તેમજ પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય અને વંદે માતરમ ગાન સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ મહાનુભાવોને મોરબીની શાન ગણાતા નગર દરવાજાની પ્રતિકૃતિ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં પ્રદેશ આગેવાનો દ્વારા જિલ્લા ભાજપના સંગઠનાત્મક માળખા, આગામી કાર્યક્રમો અને પક્ષની નીતિ-રીતિઓ અંગે ઉપસ્થિત હોદ્દેદારોને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયા, પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા, મેયર ઉત્તમભાઈ સુરાણી તેમજ જિલ્લાના મહામંત્રીઓ અરવિંદભાઈ વાંસદળીયા, તપનભાઈ દવે અને ચતુરભાઈ મકવાણા સહિત જિલ્લા પંચાયત, મહાનગરપાલિકાના મુખ્ય હોદ્દેદારો, વિવિધ મોરચાના હોદ્દેદારો અને પ્રભારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત ગાન કરી બેઠક પૂર્ણ કરવામાં આવી હતી.
















