લજાઈના ઉમા સંસ્કાર ધામ ખાતે યોજાયેલી બેઠકમાં નવી કારોબારીની રચના: મોરબી જિલ્લા ઓઇલ મીલ એસોસિએશનના પ્રમુખ પદે હિતેશભાઈ ભીમાણી નિમાયા
મોરબી ડેઈલી: મોરબી-રાજકોટ હાઈવે પર લજાઈ ખાતે આવેલા ઉમા સંસ્કાર ધામમાં તાજેતરમાં સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશનની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા વિચારણા કરી સર્વાનુમતે સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશનના પ્રમુખ તરીકે મોરબીના નવનિતભાઈ કુંડારિયાની તેમજ ઉપપ્રમુખ તરીકે હિતેશભાઈ ભીમાણીની વરણી કરવામાં આવી હતી.
આ સાથે જ બેઠકમાં મોરબી જિલ્લા ઓઈલ મીલ એસોસિએશનના નવા હોદ્દેદારોની પણ નિમણૂક કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લા પ્રમુખ તરીકે હિતેશભાઈ ભીમાણી અને ઉપપ્રમુખ તરીકે ગોપાલભાઈ નાયકપરાની વરણી કરાઈ છે, તેમજ ખજાનચી અને મંત્રીની પણ નિમણૂક કરવામાં આવી છે.
એસોસિએશનની કામગીરીને વધુ સુદૃઢ બનાવવા મહામંત્રી, મંત્રી, ખજાનચી સહિતના સભ્યોની નવી કારોબારી ટીમની પણ રચના કરવામાં આવી છે. નવનિતભાઈ કુંડારિયા અને હિતેશભાઈ ભીમાણી સહિતની આ નવી ટીમની નિમણૂકથી એસોસિએશનના સભ્યોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ નવી ટીમ આગામી સમયમાં ઓઈલ મિલ ઉદ્યોગના હિતોનું જતન કરવા, વેપારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે અને ઉદ્યોગના પ્રશ્નોને વાચા આપવાની દિશામાં સક્રિયપણે કાર્ય કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.













